લોકડાઉનમાં લોકો પોતાનો સમય પસાર કરવા માટે નવી નવી તરકીબો શોધી રહ્યા છે, ત્યારે હાલના સોશિયલ મીડિયાના સમયમાં ફોટોગ્રાફર્સ વર્ચ્યુઅલ ફોટોશૂટનો કોન્સેપ્ટ લઈને આવ્યા છે. આ ફોટોશૂટમાં મોડેલ અને ફોટોગ્રાફર્સ વીડિયો-કોલિંગ એપ દ્વારા આ ફોટોશૂટ કરે છે. પરંતુ આ ફોટોશૂટ કરતા પહેલા પણ ઘણી વાતોને ધ્યાનમાં રાખવામાં આવતી હોય છે, જેવી કે, લાઈટ્સ, બેકગ્રાઉન્ડ, કોસ્ચ્યુમ, હેરસ્ટાઈલ, મેકઅપ અને બીજું ઘણું બધુ. ઈટાલિયન ફોટોગ્રાફર એલેસ્સીઓ એલ્બીએ માર્ચ મહિનાથી તેને લેપટોપ દ્વારા આવા ફોટોશૂટની શરૂઆત કરી હતી અને તેણે જ સૌથી પહેલા ઈન્સ્ટાગ્રામ પર વર્ચ્યુઅલ ફોટોશૂટને જાણીતું બનાવ્યું છે. ઘણી બધી જાણીતી હીરોઈનો અને મોડેલોએ આ રીતનું ફોટોશૂટકરાવ્યું છે.
કોણે આ રીતનું ફોટોશૂટ કરાવ્યું છે?
સુપરમોડેલ બેલા હેડીડ, બોલીવુડમાં અનન્યા પાંડે, ડાયના એરપ્પા, હંસીકા મોટવાની, એન્ના બેન, જેક્લીન ફર્નાન્ડીઝ અને હરીશ કલ્યાણે ફોટોશૂટ કરાવ્યું છે. આ ફોટોશૂટ અંગે મુંબઈ બેઝ ફોટોગ્રાફર અભિષેક ગોલેચાએ કહ્યું કે, હું રોજના બે શૂટ કરું છું. બેલા હેડીડના શૂટ દ્વારા મને ઘણી પ્રેરણા મળી છે. હાલમાં હું ઈટલી, બ્રાઝીલ અને મલેશિયાની મોડેલો સાથે શૂટ કરું છું.
આ શૂટ કેવી રીતે કરશો?
પરફેક્ટ સ્પોટ અને એંગલ સૌથી અગત્ત્યનો પાર્ટ છે. હું મોડેલ સાથે વાત કરીને બેકગ્રાઉન્ડ, વોર્ડરોબ અને હેરસ્ટાઈલ અંગે ફાઈનલ કર્યા પછી મોડેલના ફોનને પરફેક્ટ એંગલ પર મૂક્યા પછી હું લાઈવ પિક્ચર ક્લિક કરું છું.
આ ફોટોગ્રાફીનું ફ્યુચર શું?
હાલની પરિસ્થિતિ જોતા વર્ચ્યુઅલ ફોટોગ્રાફી નજીકના ભવિષ્યમાં સારું ચાલશે તેવું લાગી રહ્યું છે. પરંતુ ફોટોગ્રાફીમાં જે હ્યુમન ટચ કહો કે અમુક એલીમેન્ટ્સ છે તે જોવા નથી મળતા પરંતુ હાલના સમયને જોતા આ પરફેક્ટ છે.
