હાલમાં ભારતીય રાજકારણમાં ઉત્તર પ્રદેશ કરતાં પણ વધુ કેન્દ્રનું સ્થાન પ.બંગાળ બન્યું છે. જ્યાં મુખ્યમંત્રી મમતા બેનર્જી અને કેન્દ્ર સરકાર વચ્ચેના ઘર્ષણની અસર મતદાન પર જોવા મળી છે.
આજે જ્યારે ચોથા ચરણનું મતદાન થઈ રહ્યું છે ત્યારે ફરી એક વખત પ.બંગાળના કેટલાંક ભાગોમાં હિંસક ઘટનાઓ જોવા મળી હતી. જેમાં બંગાળના આસનસોલમાં કેન્દ્રીય પ્રધાન બાબુલ સુપ્રિયોની કાર પર કેટલાક લોકોએ હુમલો કર્યો, જેનાથી તેમની ગાડીનો કાચ તુટી ગયો.
જો કે આ હુમલામાં બાબુલ સુપ્રિયોને કોઈ નુકસાન થયું નથી. આસનસોલમાં બાબુલ સુપ્રિયો સામે ટીએમસીના ઉમેદવાર મુનમુન મેદાને છે. સુપ્રિયોએ ટીએમસી પર હિંસા કરવાનો આરોપ લગાવ્યો છે.
આ તરફ આસનસોલના જેમુઆમાં એક પોલિંગ બુથ પર લોકોએ મત આપવાનો ઈનકાર કરી દીધો. કારણ કે ત્યાં સુરક્ષા વ્યવસ્થા નહોતી. તો કેટલાક બુથો પર ટીએમસી કાર્યકર્તાઓ અને સુરક્ષા દળો વચ્ચે ઝપાઝપીના સમાચારો પણ સામે આવ્યા છે.
અત્રે નોંધનીય વાત એ છેકે સતત ચાર ચરણમાં પ.બંગાળના કોઇ પણ વિસ્તારમાં મતદાન હોય ત્યારે આ પ્રકારની હિંસક ઘટના જોવા મળી રહી છે. ત્યારે ભાજપ હવે આ મામલે કેન્દ્રીય ચૂંટણી પંચને ફરિયાદ કરવા અંગે વિચારણા કરી રહ્યું છે.