વીર નર્મદ દક્ષિણ ગુજરાત યુનિવર્સિટીમાં પ્રથમ વર્ષમાં પ્રવેશ મેળવનાર વિધાર્થીઓને રૂ.1,000ની કિંમતે ટેબલેટ આપવામાં આવે છે. હાલમાં ભારત-ચીન વચ્ચે ચાલતા સરહદ વિવાદની અસર યુનિવર્સિટી તેમજ વિધાર્થીઓ પર પડી છે. ભારત અને ચીન વચ્ચેના સંબંધના કારણે વિધાર્થીઓના ટેબલેટ અટવાઈ ગયા છે. જેમાં, વર્ષ 19-20માં પ્રવેશ મેળવનાર 10,144 વિધાર્થીઓએ ટેબલેટના પૈસા ચૂકવ્યા બાદ પણ ટેબલેટથી વંચીત રહ્યા છે.

યુનિવર્સિટીના ઇન્ચાર્જ રજીસ્ટાર એ.વી.ધડુકના જણાવ્યા અનુસાર, વિધાર્થીઓને વહેલી તકે ટેબલેટ મળી રહે માટે સતત પત્ર વ્યવહાર દ્વારા સરકારને રજુઆત કરી રહ્યા છીએ. પરંતુ ગાંધીનગરથી કોઈ જવાબ આવ્યો નથી.
VNSGUના આસિસ્ટન્ટ રજીસ્ટાર પ્રકાશભાઈ બચારવાળાના જણાવ્યા અનુસાર, યુનિવર્સિટીએ ટેબલેટના રૂ.1 કરોડ 1 લાખ રાજ્ય સરકારને ચૂકવી દીધા છે. તેમજ યુનિવર્સિટીએ ટેબલેટ માટે સરકાર સાથે ઘણા પત્ર વ્યવહાર કર્યા બાદ પણ રાજ્ય સરકાર તરફથી જવાબ મળ્યો નથી.
એક તરફ સરકાર વિધાર્થીને શિક્ષણમાં મદદ મળે તે માટે નમો ઈ ટેબલેટ યોજના શરુ કરી છે. પરંતુ, પૈસા મેળવીને પણ 1 વર્ષ બાદ વિધાર્થીઓને ટેબલેટ આપ્યા નથી. તેમજ, સરકાર આ અંગે યુનિવર્સિટીને કોઈ યોગ્ય જવાબ પણ આપી રહી નથી.
ભારતમાં ફેલાયેલી કોરોના મહામારીના કારણે તમામ ઓનલાઇન કલાસ મારફતે શિક્ષણ આપવામાં આવી રહ્યું છે. પરંતુ, વિધાર્થીઓને ટેબલેટ નહિ મળતા ઘણી મુશ્કેલીનો સામનો કરવો પડી રહ્યો છે. વિધાર્થીઓએ ટેબલેટના પૈસા પાછા મેળવવા માટે અરજી કરી હતી. જેની યુનિવર્સિટીએ રાજ્ય સરકારને પત્ર લખીને રજુઆત કરી છે. પરંતુ, સરકાર તરફથી કોઈ જવાબ મળ્યો નથી.
આ પણ વાંચો : ફેસ્ટીવલ સિઝનમાં ગ્રાહકો રાખે આ કાયદાનું ધ્યાન