રવિવારનાં રોજ ધોરણ-12 વિજ્ઞાન પ્રવાહના વિદ્યાર્થીઓનો રિઝલ્ટ માટેની આતુરતાનો અંત આવ્યો છે. આજે 12ના વિજ્ઞાન પ્રવાહનું પરિણામ જાહેર થયું છે. ધોરણ 12 વિજ્ઞાન પ્રવાહનું 71.34 % પરિણામ આવ્યું. 1,16,494 વિદ્યાર્થીઓમાંથી 83,111 વિદ્યાર્થીઓ ઉતીર્ણ થયા. સૌથી ઉંચું રાજકોટ જિલ્લાનું 84.69 % પરિણામ જાહેર થયું છે. પરિણામ બોર્ડની વેબસાઇટ www.gseb.org પર ઓનલાઇન સવારે 8 વાગ્યાથી જોઇ શકાશે. રાજ્યમાં કેન્દ્ર મુજબ સૌથી ઉંચું પરિણામ ધ્રોલ કેન્દ્રનું પરિણામ જાહેર થયું છે. આ કેન્દ્રનું 91.42 % પરિણામ આવ્યું છે, જ્યારે સૌથી ઓછું લીમખેડા કેન્દ્રનું 23.02% પરિણામ આવ્યું છે.

રાજ્યનાં શિક્ષણમંત્રી ભૂપેન્દ્રસિંહ ચુડાસમાએ જણાવ્યું કે, ‘રાજ્યમાં ઘોરણ 12 વિજ્ઞાન પ્રવાહનું પરિણામ 71.34 ટકા પરિણામ આવ્યું છે. રાજ્ય સરકારે કોરોનાના કહેર વચ્ચે બોર્ડની પરીક્ષા સારી રીતે પૂર્ણ કરી દીધી છે. દેશમાં બોર્ડની બોર્ડની પરીક્ષા પૂર્ણ કરવામાં અને તેનું પરિણામ જાહેર કરવામાં કદાચ ગુજરાત પ્રથમ નંબરે છે.’

આ પરિણામમાં વિદ્યાર્થીઓનું 71.69 જ્યારે વિદ્યાર્થિનીઓનું 70.85% પરિણામ આવતા છોકરાઓએ બાજી મારી છે. 2019માં વિદ્યાર્થિનીઓની ટકાવારી 72.01 હતી જ્યારે વિદ્યાર્થીઓની ટકાવારી 71.83 હતી. એ પહેલા પણ વર્ષ 2081ની વાત કરીએ તો તેમાં પણ વિદ્યાર્થિનીઓએ બાજી મારી હતી. વિદ્યાર્થીઓની પાસ થવાની ટકાવારી 74.91 અને વિદ્યાર્થીઓની 71.84 હતી.

ધોરણ 12 સાયન્સમાં 1,16,643 વિદ્યાર્થીઓએ પરીક્ષા આપી હતી. તેમાં 83,111 વિદ્યાર્થીઓ પાસ થયા છે, જ્યારે 33,532 વિદ્યાર્થીઓ નાપાસ થયા છે. વિષયવાર પરિણામ જોવામાં આવે તો ગુજરાતી, હિન્દી, મરાઠી, ઉર્દુ અને અરેબિકનું પરિણામ 100 ટકા આવ્યું છે. સૌથી ઓછું જ્યારે ફિઝિક્સનું 72.48 ટકા, કેમેસ્ટ્રીનું 72.36 ટકા અને બાયોલોજીનું 85.99% પરિણામ આવ્યું છે. અંગ્રેજીનું પરિણામ 98 ટકા આવ્યું છે.

માર્કશીટ મેળવવામાં થશે વિલંબ
મળેલી માહિતી અનુસાર આ સંકટ સમયને જોતા હાલમાં ઓનલાઇન પરિણામ જોઈ શકશે.આ ઉપરાંત બોર્ડ દ્વારા જણાવવામાં આવ્યું છે કે,, ધોરણ-12 વિજ્ઞાન પ્રવાહ માર્ચ -2020ના ઉમેદવારોની માર્કશીટ અને પ્રમાણપત્રના વિતરણની તારીખ બાદમાં જાહેર કરાશે તથા ગુણચકાસણી, ગુણતુટ તથા પરિણામ જમા કરાવવા અંગેની સૂચનાનાઓ પણ અલગથી પ્રસિદ્ધ કરવામાં આવશે.
