સુરતમાં છેલ્લા 30 વર્ષથી ચાલી આવેલા પ્રશ્નનું આજે નિરાકરણ આવી ગયું છે. સરકાર દ્વારા મહત્વનો નિર્ણય લેવાયો છે સુરત શહેરી વિકાસ સત્તા મંડળ (SUDA) અને સુરત મહાનગરપાલિકા વિસ્તાર સહિતની ૧૦૮૫ ચોરસ કિ.મી. વિસ્તારની વિકાસ યોજના ડેવલપમેન્ટ પ્લાન (DP)માં વિવિધ એજન્સીઓ માટે જાહેર હેતુ માટે સૂચવાયેલી અનામત જમીનો અંગે મહત્વ પૂર્ણ ઐતિહાસિક નિર્ણય કરી મુખ્યમંત્રી વિજય રૂપાણી દ્વારા તેને અનામતમાંથી મુક્ત કરવામાં આવી છે.
તે ઉપરાંત ડી.પી.માં રખાયેલી આશરે ૧૬૬૦ હેક્ટર જમીનોના ૨૦૧ જેટલા વિવિધ અનામત પૈકી ૩૦ વર્ષથી વધુ સમયના અનામતની જમીનોને મુક્તિ આપવાનો નિર્ણય કર્યો છે. સુરત શહેરની હાલની જરૂરિયાતને ધ્યાને રાખી ૫૦ ટકા કપાતના ધોરણે ટી.પી. સ્કીમ બનાવી આ જમીનો અનામત માંથી છૂટી કરાશે
મુખ્યમંત્રી રૂપાણી સાથે ગાંધીનગરમાં સુરતના મેયર સહિત મહાનગરના પદાધિકારીઓ, સુરત મ્યુનિસિપલ કમિશનર તથા સુડાના અધિકારીઓએ એક બેઠક કરી હતી. બેઠકમાં કરેલા પ્રેઝન્ટેશન અને ચર્ચા-વિચારણા બાદ મુખ્યમંત્રીએ આ ઐતિહાસિક નિર્ણય કર્યો છે.
મુખ્યમંત્રી દ્વારા લેવામાં આવેલા આ નિર્ણયના પરિણામે સુરત મહાનગરના વિકાસ માટે જે-તે સંસ્થા દ્વારા સંપાદનની કાર્યવાહી શરૂ થઇ હોય તથા સુરત મહાનગરપાલિકા દ્વારા પ્રોવિન્શિયલ મ્યુનિસિપલ કોર્પોરેશન એક્ટની કલમ ૭૮ હેઠળ સંપાદનની મંજૂરી મેળવી હોય તે કિસ્સા સિવાયની તમામ જમીનોમાં ૫૦ ટકા કપાત લઈ અનામત મુક્ત કરવામાં આવશે.
સુડા વિસ્તારની અંદાજે ૫૦ હેક્ટર અને સુરત મનપા વિસ્તારની આશરે ૩૯૦ હેક્ટર મળી કુલ ૪૪૦ હેક્ટર જમીન અનામત મુક્ત થશે. તે ઉપરાંત અન્ય હેતુઓ અને એજન્સી માટે અનામત રખાયેલી ૪૧૫ હેક્ટર જેટલી જમીનો પણ અનામતમાંથી મુક્ત કરવાનો નિર્ણય કરાયો છે. સુરત શહેરમાં કુલ મળી ૮૫૫ હેક્ટર જેટલી જમીનો અનામત મુક્ત થવાના કારણે બાંધકામ માટે ઉપલબ્ધ થશે અને લોકોને સસ્તા દરે આવાસો મળી રહેશે. તેમજ રિયલ એસ્ટેટ ક્ષેત્રને પણ વેગ મળશે.