17 સપ્ટેમ્બરે વડાપ્રધાન નરેન્દ્ર મોદીનો જન્મ દિવસ છે. જેને લઈને અલગ-અલગ રીતે આ દિવસ ઉજવવાનો આયોજન થઇ રહ્યો છે. હાલમાં જ અમદાવાદ જિલ્લા શિક્ષણાધિકારીએ અમદાવાદની દરેક સ્કૂલોને પરિપત્ર તૈયાર કરીને સૂચના આપી છે કે, નરેન્દ્ર મોદીના જન્મ દિવસે સ્કૂલની પ્રાર્થનાસભામાં વિદ્યાર્થીઓને આર્ટિકલ -370 અને 35-એ વિશેની માહિતી આપવી. તેમજ કાશ્મીરમાં આર્ટિકલ – 370 અને આર્ટિકલ 35-એ હટાવાયા પછી વિદ્યાર્થીઓ પણ આ આર્ટિકલ વિશે જાગૃત થાય તે માટે પ્રાર્થના સભામાં વિષય નિષ્ણાતની સ્પીચ અથવા ક્વિઝ, નિબંધ સ્પર્ધા વગેરે પ્રવૃત્તિનું આયોજન કરવા માટે કહેવામાં આવ્યું છે.
આર્ટિકલ-370 અને આર્ટિકલ 35 – A વિશેની માહિતી
જમ્મુ -કાશ્મીરમાંથી આર્ટિકલ -370 અને 35 – A ને હટાવ્યા બાદ ભારતના રાજ્યોની સંખ્યા અને કેન્દ્રશાસિત રાજ્યોની સંખ્યામાં પણ ફેરફાર થયો છે. જેની માહિતી વિદ્યાર્થીઓને અપાશે. ઉપરાંત રદ કરાયેલી કલમથી રાજ્યને શું ફાયદો થશે અને આ આર્ટિકલોમાં કેવા પ્રકારના નિયમોનો સમાવેશ થતો હતો તેની માહિતી વિદ્યાર્થીઓને આપવામાં આવશે.
સ્કૂલોએ કાર્યક્રમના ફોટા પાડવી મોકલવા
સરકારના દરેક કાર્યક્રમોના મુજબ આ કાર્યક્રમની પણ માહિતી સ્કૂલો પાસેથી મંગાવી છે. અમદાવાદ શહેર અને ગ્રામ્યની માધ્યમિક અને ઉચ્ચતર માધ્યમિક દરેક સ્કૂલોએ 17 સપ્ટેમ્બરે કરેલા કાર્યક્રમનો અહેવાલ ફોટોગ્રાફ્સ સાથે ડીઇઓ કચેરીએ મંગાવ્યો છે. કાર્યક્રમના બીજા દિવસે રિપોર્ટ કરવાની સૂચના આપવામાં આવી છે.
બાળકોને સાચી માહિતી આપવાનો હેતુ
ડીઇઓ ઓફિસના સૂત્રોના જણાવ્યા પ્રમાણે, સ્કૂલોમાં સામાજિક વિજ્ઞાનની કમિટી દ્વારા આ માહિતી વિદ્યાર્થીઓ સુધી પહોંચે તેવી વ્યવસ્થા કરાશે. સમગ્ર દેશમાં જ્યારે આર્ટિકલ -370 અને 35-એની ચર્ચા થઇ રહી છે ત્યારે બાળકો પણ આ આર્ટિકલ વિશે વધુ અને સાચી માહિતી મેળવે તે જરૂરી છે. માધ્યમિક અને ઉચ્ચતર માધ્યમિક સ્કૂલોના બાળકો 13 વર્ષથી વધુ ઉંમરના હોય છે. આ કાર્યક્રમનો મુખ્ય ઉદ્દેશ્ય બાળકોના મનમાં જે કોઈ ખોટી માન્યતા હોય તેને દૂર કરવાનો છે.

NewsAayog ફેસબુક, ટ્વિટર, ઇન્સ્ટાગ્રામ અને યુ ટ્યુબ પર પણ લાઇક અને ફોલો કરી શકો છો.લેટેસ્ટ ન્યૂઝ અપડેટ્સ તમારા ફોન પર સૌથી પહેલા મેળવવા માટે +919104135991 અમને તમારું નામ અને શહેરનું નામ મેસેજ કરો.