રાજ્યમાં લોકડાઉનમાં તમામ વ્યાપાર-ધંધા બંધ હોવાથી ટેક્સટાઇલ ઉદ્યોગ (Surat Textile Industry) સાથે સંકળાયેલા લાખો પરપ્રાંતીય મજૂરો પોતાના વતન તરફ વળ્યાં હતા. આ શ્રમિકો ટ્રેન, ટ્રક અને ટેમ્પો મારફતે પોત પોતાના વતન પરત ચાલ્યા ગયા હતા. અનલોકના તબ્બકામાં ઉદ્યોગ ફરી શરૂ થતા ઉદ્યોગોને મોટા ઓર્ડર મળી રહ્યા છે. હાલમાં ઉદ્યોગકારો પાસે મજૂરો નથી જેથી કેટલાક ઉદ્યોગકારો પરપ્રાંતીય મજૂરોને ફ્લાઈટ (Flight) મારફતે પરત બોલાવી રહ્યા છે. સચિન GIDCમાં પ્રિન્ટ ફેબ્રિકનો મોટો ઓર્ડર મળતા શ્રમિકોની અછત સર્જાઈ છે.

આ અંગે સચિન GIDC એસોસિએશનના પ્રમુખ મહેન્દ્ર રામોલિયાએ જણાવ્યું કે, મોટો ઓર્ડર મળતા ઉદ્યોગપતિઓએ 3,000 જેટલા મજૂરોને ફ્લાઇટથી સુરત બોલાવી રહ્યા છે. પ્રિન્ટેડ ફેબ્રિકના ઓર્ડરથી ઉદ્યોગમાં આશાનું કિરણ દેખાઈ રહ્યું છે. સચિન GIDCમાં બાપા સીતારામ ટેક્સટાઇલના માલિક અલ્પેશ નાકરાણીએ કહ્યું કે, મજુર દીઠ 5500ના ખર્ચે 84 મજૂરોને ફ્લાઇટથી સુરત પાછા બોલાવ્યા છે. તેમને ગાઇડલાઇન અને તમામ મેડિકલ સેવા આપીને ઓડીસાથી મુંબઇ એરપોર્ટ અને ત્યારબાદ ઇનોવા કારમાં સુરત લાવવામાં આવશે.
આ પણ વાંચો : સૌરાષ્ટ્ર બાદ ઉત્તર ગુજરાતમાં પાટિલના પ્રવાસથી સંક્રમણનો ભય
વધુમાં જણાવ્યું કે, ઉદ્યોગોમાં કાર્ડ મશીન અન્ય શ્રમિકો ચલાવી શકે નહીં. જેથી આ શ્રમિકોને સુરત પરત બોલાવી રહ્યા છીએ. પરપ્રાંતીય મજૂરો સુરત ફરીને ખુશ છે. મજૂરોએ જણાવ્યું કે, તેઓ પ્રથમવાર ફ્લાઈટમાં બેઠા હતા. સુરત આવીને લોકડાઉનની તમામ તકલીફ ભૂલી ગયા છે.
