તા. ૧૧ થી ૧૭ જાન્યુઆરીથી ‘૩૧મા ‘માર્ગ સલામતી સપ્તાહ-૨૦૨૦’ની રાજ્યવ્યાપી ઉજવણી કરવામાં આવશે. જે અંતર્ગત સુરત આર.ટી.ઓ. કચેરી, પાલ ખાતે જિલ્લા કલેક્ટર ધવલ પટેલે ‘માર્ગ સલામતી સપ્તાહ’નો પ્રારંભ કરાવ્યો હતો. સપ્તાહ દરમિયાન શહેર તેમજ સમગ્ર જિલ્લામાં લોકોને માર્ગ સલામતી અંગે જાગૃત કરવાના કાર્યક્રમો યોજાશે.

આ પ્રસંગે કલેક્ટરે જણાવ્યું હતું કે ‘પૂરતી જાગૃતિ, સાવધાની અને ટ્રાફિકના નિયમો અનુસરીને આપણે સુરક્ષિત રહી શકીએ છીએ. વધુમાં તેમણે જણાવ્યું હતું કે શહેરમાં મૃત્યુકારક અકસ્માતોની સંખ્યા વધી છે. જો ટ્રાફિકના નિયમોનું પાલન કરીએ તો જીવલેણ માર્ગ અકસ્માતો નિવારી શકાય છે.’

આ કાર્યક્રમમાં ઉપસ્થિત સહાયક પ્રાદેશિક વાહન વ્યવહાર અધિકારી એચ.એસ.પટેલે જણાવ્યું હતું કે, ‘માર્ગ અકસ્માત તેમજ મૃત્યુકારક અકસ્માતો ઘટે એ ઉદ્દેશથી જ ‘માર્ગ સલામતી સપ્તાહ’નું આયોજન દર વર્ષે કરવામાં આવે છે. ભારત માર્ગ અક્સમાતમાં ત્રીજા નંબરે આવે એ ઘણું ચિંતાજનક છે.’

માર્ગ સલામતી સપ્તાહ દરમિયાન માર્ગ સલામતીની જાગૃતિ માટે શાળા/કોલેજો તેમજ જાહેર સ્થળોએ નુક્કડ નાટક જેવા કાર્યક્રમો યોજી લોકોને જાગૃત કરવામાં આવશે. સમારોહમાં ઓલપાડમાં ટ્રકમાં બ્લાસ્ટમાં રેડિયન્ટ શાળાના બસ અકસ્માતમાં 26 બાળકોના જીવ બચાવનારા ડ્રાઈવર અને ક્લીનર તેમજ શિક્ષિકાનું કલેકટરના હસ્તે સન્માન કરવામાં આવ્યું હતું. સમારોહમાં આર.ટી.ઓ.ના અધિકારીઓ, પોલીસ અધિકારીઓ તેમજ શહેરીજનો ઉપસ્થિત રહ્યા હતા.

NewsAayog ફેસબુક, ટ્વિટર, ઇન્સ્ટાગ્રામ અને યુ ટ્યુબ પર પણ લાઇક અને ફોલો કરી શકો છો. લેટેસ્ટ ન્યૂઝ અપડેટ્સ તમારા ફોન પર સૌથી પહેલા મેળવવા માટે +919104135991 અમને તમારું નામ અને શહેરનું નામ મેસેજ કરો.