આઈપીએલની 13મી સીઝનના અનેક મેચમાં અણધાર્યા પલટા આવતાં દર વખતે ‘પ્લસ’માં રહેતાં બુકીઓ રીતસરના ‘માઈનસ’માં ધકેલાઈ ગયા છે. અત્યાર સુધીના 36 મેચ પૈકીના અમુકને બાદ કરતાં લગભગ દરેક મેચ છેલ્લી ઓવર સુધી પહોંચતાં પંટર અને બુકી બન્નેના શ્વાસ અધ્ધર ચડી ગયા હતા. ખાસ કરીને ગઈકાલે રમાયેલી આઈપીએલની 35મી અને 36મી મેચ ટાઈ જતાં બુકીબજારમાં અફડાતફડી મચી ગઈ છે. મેચ ટાઈ થાય તો સેશન અને હાર-જીત બન્નેના સોદા ફોક થતાં હોય છે પરંતુ છેલ્લા ઘણા સમયથી મેચ ટાઈ થાય તો પણ સેશનના સોદા ઉભા રહેશે અને હાર-જીતના સોદા રદ થશે તેવો બુકીઓએ નિયમ બનાવતાં તેમને આ નિયમ ભારે પડી ગયો છે. એકંદરે રવિવારના બન્ને મેચમાં પંટરોએ રનફેરના સેશનમાં પેટ ભરીને કમાણી કરી હતી જ્યારે મોટી રકમ હારી જવાને કારણે બુકીઓનો જીવ અધ્ધર થઈ ગયા છે.

સેશનની રમતમાં મોટી રકમ ગુમાવ્યા બાદ બુકીઓને હાર-જીતમાં કવર થઈ જશે તેવી આશા હતી પરંતુ બન્ને મેચ જીવ સટોસટ રહેવાથી હાર-જીતમાં પણ બુકીઓને મોટી રકમ ગુમાવવી પડે તેવી સ્થિતિ નિર્માણ થઈ હતી. બન્ને મેચની હાર-જીત ઉપર સોદા કરનાર પંટરો મોટી રકમ જીતવાની આશા સેવી રહ્યા હતા બરાબર તેવા સમયે બન્ને મેચ ટાઈ થઈ જતાં હાર-જીતના સોદા રદ થઈ ગયા હતા જેના કારણે બુકીઓની હાલત કફોડી થઈ હતી. મેચના અનિશ્ચિત પરિણામો જોઈને બુકીબજારની નાની માછલી ગણાતાં અનેક બુકીઓએ પોતાની દુકાન બંધ કરવાનું યોગ્ય સમજી પંટરોને ચૂકવણું કરીને શટર પાડી દીધા હતા. બુકીઓએ જણાવ્યું હતું કે આઈપીએલના અત્યાર સુધીના તમામ મેચમાંથી અમુક મેચને બાદ કરીએ તો મોટાભાગના મેચ પંટર તરફી જ રહ્યા છે એટલા માટે નાના-નાના બુકીઓના ઉઠમણા થયા છે.
નસીબનો જ ખેલ
રનફેરના સેશન ઉપર એક હજારથી લઈ એક કરોડ સુધીનો સોદો કરનારા પંટરોનો તૂટો નથી. આ પંટરો માત્ર રનફેરમાં જ પોતાનું નસીબ અજમાવવાનું મુનાસીબ માનીને પ્રથમ દાવના 120 બોલ અને બીજા દાવના 36 બોલ ઉપર પોતાની નસીબ અજમાવે છે. જો કે આ વખતના આઈપીએલમાં મોટાભાગના સેશન પંટર તરફી ગયા હોવાથી પંટરોને રીતસરના બખ્ખા થઈ ગયા છે. બુકીઓએ જણાવ્યું હતું કે મેચ ઉપર સેશન અને હારજીત જ નહીં બલ્કે 25 જાતનાં સોદા રમાડવામાં આવે છે. હાર-જીત અને રનફેરના સેશન ઉપરાંત ટોસ કોણ જીતશે, એક બોલમાં કેટલા રન બનશે, કેટલા છગ્ગા લાગશે, કેટલા ચોગ્ગા લાગશે, કેટલી વિકેટ પડશે, સદી કેટલી બનશે, અર્ધસદી કેટલી બનશે, કેટલી ઓવરમાં પ્રથમ ઈનિંગ પૂર્ણ થઈ જશે, બીજી ઈનિંગમાં રમનારી ટીમ કેટલી ઓવરમાં લક્ષ્યાંક હાંસલ કરશે તે સહિતના 25 જાતનો જુગાર એક જ મેચ ઉપર રમાડવામાં આવે છે.
સુરતના હજી ગેમ સરભર કરવા જોવાતી રાહ
પોલીસ ભલે દરરોજ એકલ-દોકલ પંટરોને પકડીને કામગીરીનો સંતોષ માનતી હોય પરંતુ સુરતમાં વરાછા, પુણાગામ, કતારગામ, મહિધરપુરા ઉપરાંત સિટીલાઈટ, ભટાર રોડ જેવા વિસ્તારોમાં અત્યારે 5 લાખથી વધુ પંટરો દરરોજ પોતાનું નસીબ અજમાવે છે. અત્યારે પંટરો પોલીસથી બચવા ઘર અને ઓફિસ જેવા સુરક્ષિત સ્થળ પસંદ કરીને આરામથી સટ્ટો ખેલી રહ્યા છે. અમુક અમુક પંટરોએ તો આખા આઈપીએલ માટે ફાર્મહાઉસ કે ઘર ભાડે રાખી લીધું છે અને મેચ શરૂ થાય તેની એકાદ કલાક પહેલાં ત્યાં પહોંચીને આરામથી મેચ પર સટ્ટો રમતાં હોય છે. છેલ્લા બે-ત્રણ વર્ષથી પોલીસને ચકમો આપવા માટે બુકીઓ દ્વારા પંટરોને ડિપોઝીટ લઈને આઈડી આપી દેવામાં આવ્યું હતું. આઈડી ઉપર પંટર બુકીને ફોન કર્યા વગર જ પોતાનો સોદો કરી શકે છે અને જો તે જીતી જાય તો બીજા જ દિવસે તેના એકાઉન્ટમાં પૈસા જમા થઈ જાય છે અને હારી જાય તો તેની ડિપોઝીટમાંથી તેટલી રકમ કપાઈ જાય છે. આ ઉપરાંત જે પંટરો ભાડેથી ઘર રાખીને રમતાં હોય છે તેઓ હજુ પણ બુકીઓ પાસે જ કપાત કરાવી રહ્યા છે. આ પંટરો બુકીને ફોન કરે છે અને બુકી તેને રનફેરનું સેશન તેમજ હાર-જીતનો ભાવ આપે છે અને તેના આધારે તે પંટર સોદો કરે છે. પુણા ગામમાં રહેતા મૂળ સુરતી અને વ્યવસાયે રિઅલ એસ્ટેટ સાથે સંકળાયેલા એક મોટા ગજાનાં પંટરે હાર-જીતના સોદા પર જ રવિવારની મેચમાં ઉથલ-પાથલથી 50 લાખ જેટલી રકમ ગુમાવી હોવાની ચર્ચા સાથે સુરતના બૂકી બજારમાં હંગામો મચી ગયો છે. આ પરિણામો કેવા રંગ લાવે છે એ હાલ કહેવું ઉતાવળભર્યું છે કેમકે પિક્ચર તો અભી બાકી હૈ મેરે દોસ્તો….