છેલ્લા પાંચ દિવસથી ઊંઝામાં ચાલી રહેલા ઉમિયા માતાજી લક્ષચંડી મહાયજ્ઞની રવિવારે અભૂતપૂર્વ ધર્મોલ્લાસ સાથે પૂર્ણાહુતિ થઇ હતી. આ મહાયજ્ઞનાં દર્શન માટે છેલ્લા દિવસે 15 લાખથી પણ વધુ ભક્તો ઊમટી પડયા હતા. રવિવારે રૂ.55 લાખ જેટલું રોકડ દાન મળ્યું હતું. રૂ.200ની હુંડીરૂપે 85 લાખ તેમજ લક્ષચંડી યજ્ઞમાં રૂ.15 લાખ હુંડી પેટે મળ્યા હતા. રૂ.5-5 હજારના દાન પેટે રૂ.7 લાખે મળ્યા હતા.
મહોત્સવ કમિટીના સૂત્રોના જણાવ્યા મુજબ, પાંચ દિવસમાં કુલ મળીને 60 લાખ શ્રદ્ધાળુઓએ લક્ષચંડી યજ્ઞ તેમજ મા ઉમાનાં દર્શન કર્યાં, તો 22 લાખ લોકોએ ભોજન પ્રસાદનો લાભ લીધો હતો. સમગ્ર મહોત્સવમાં કુલ મળીને રૂ.60 કરોડનું દાન એકત્ર થયું છે, જ્યારે મહોત્સવ પાછળ રૂ.25 કરોડના ખર્ચનો અંદાજ છે. આ મહોત્સવના સાક્ષી બનવા આવેલા લાખો શ્રદ્ધાળુઓએ અભૂતપૂર્વ, અકલ્પનિય, શાનદાર અને જાનદાર તેમજ ન ભૂતો ન ભવિષ્યતિ તરીકે ઓળખાવ્યો હતો.
યજ્ઞના છેલ્લા અને પાંચમા દિવસે રવિવારે સવારથી જ દર્શનાર્થીઓનો ધસારો રહ્યો હતો. મોટી સંખ્યામાં ગામેગામથી યાત્રિકો ઊમટી રહ્યાં હતાં. ઊંઝા શહેરમાં આવવાના માર્ગો વાહનોથી ભરચક રહ્યા હતા. રસ્તો દેખાડવા દરેક વળાંકે અને દરેક ગલીએ સ્વયંસેવકો ખડેપગે રહ્યા હતા. બપોર સુધીમાં તો ઉમિયાનગર પરિસર માનવ મહેરામણથી ઊભરાવા લાગ્યું હતું. નાના બાળકો, ભાઈઓ-બહેનો, બાલવૃદ્ધ, ગરીબ અને તવંગર, શહેરી અને ગ્રામીણ સૌ કોઈ માનવજાતનો પ્રવાહ સતત વહેતો રહ્યો હતો. જાણે કુંભમેળો જ જોઇ લ્યો. શ્રદ્ધાળુઓએ યજ્ઞશાળાની એકથી માંડીને પાંચ કે દસ પરિક્રમા કરવાનો લ્હાવો મેળવી રહ્યા હતા.
યજ્ઞશાળામાં સવારે 8 કલાકે 1100 પાટલા પૂજન સાથે યજ્ઞની શરૂઆત કરાઇ હતી. ત્યાર બાદ પ્રાતઃપૂજન કરાયું હતું. જેમાં ગણપતિ પૂજન સાથે ચંડીપાઠનો હોમ કરાયો હતો. સવારે 9.30 કલાકે ધર્મસભા યોજાઈ હતી. બપોરે નિજમંદિરે ધ્વજારોહણ કરાયું હતું. સાંજના 3.30 કલાક બાદ પાંચ ફળો અને ગુગળ સાથે શ્રીફળ હોમવામાં આવ્યું હતું. અંદાજિત 40 મિનિટ સુધી શ્રીફળ હોમવાની વિધિ ચાલી હતી. બાદમાં આરતી થતાં યજ્ઞમંડપ મા ઉમિયાના જયઘોષથી ગૂંજી ઊઠ્યો હતો.
