રાજ્યમાં ફેલાયેલા કોરોના સંકટ સામે લડવા માટે નવી સિવિલમાં 800 જેટલા સફાઈ કર્મચારીઓ 24 કલાક ફરજ બજાવી રહ્યા છે. જેમાંથી 350 જેટલા સફાઈ કર્મચારીઓ પોતાની જીવની પરવા કર્યા વગર સ્ટેમ સેલ બિલ્ડીંગની કોવિડ-19 હોસ્પિટલમાં સતત આઠ કલાક પીપીઈ કીટ પહેરીને સ્વચ્છતા જાળવવાનું કાર્ય કરી રહ્યા છે.

આ વિશે સિવિલની કોવિડ 19 હોસ્પિટલના સફાઈકર્મી માલાબેન સુકલકરે જણાવ્યું હતું કે, કોરોનાની શરૂઆતથી જ કોરોના વોર્ડમાં સાફ-સફાઈ કરવાં સાથે દર્દીઓની બેડના ચાદર બદલવાં, દર્દીઓને દવા અને પાણી આપવા જેવા સહાયકની જવાબદારી નિભાવીએ છીએ. શરૂઆતના સમયમાં કોરોના વોર્ડમાં કામ કરવાનો ડર લાગતો હતો, પરંતુ, સમય જતાં ડોકટરો અને નર્સિંગ સ્ટાફને દર્દીઓ માટે રાતદિન મહેનત કરતાં જોઈને અમને પ્રેરણા મળી છે. હવે ડર લાગતો નથી.

નવી સિવિલ હોસ્પિટલના કોરોના વોર્ડમાં સુપરવાઇઝર તરીકે ફરજ બજાવતા સતીષ પ્રજાપતિએ જણાવ્યું હતું કે, ‘એપ્રિલ મહિનાથી સ્ટેમ સેલ બિલ્ડીંગમાં કોવિડ 19 હોસ્પિટલની શરૂઆત થઇ હતી ત્યારથી સફાઇકર્મીઓ રાત-દિવસ સાફસફાઈ અને કોરોના દર્દીઓની જરૂરી મદદનું કાર્ય રહ્યા છે. આ વોર્ડમાં દાખલ થતાં પહેલાં પીપીઈ કીટ, હાથના મોજા, માસ્ક, ટોપીની સુવિધા આપવામાં આવે છે. અમારા કર્મચારીઓ કામની સાથે દર્દીઓને કોરોના સામે લડવાની હિંમત પણ આપે છે.

આ સફાઈ કર્મચારીઓ કોરોના દર્દીઓને ભોજન, પાણી, સ્નાન અને કપડાં આપવાનું કાર્ય પણ કરે છે. હાલમાં કોરોના વોર્ડમાં 350 જેટલા કર્મચારીઓ રાત-દિવસ ફરજ નિભાવી રહ્યા છે. નવી સિવિલ હોસ્પિટલમાં સ્વચ્છતા અને આરોગ્યપ્રદ વાતાવરણ જળવાઈ રહે તે માટે આ ગ્રાઉન્ડ લેવલના કોરોના વોરિયરનું કાર્ય ઘણું મહત્વપૂર્ણ છે.
આ પણ વાંચો : શું છે કોંગ્રેસનો સમગ્ર વિવાદ, કયા નેતાઓ છે ગાંધી પરિવાર સાથે અને કોણ છે વિરોધમાં ?
