સુરત : રશિયા અને યુક્રેન વચ્ચે ચાલી રહેલા યુધ્ધ પર વિશ્વભરના દેશોની નજર છે. આજે આ મુદ્દો સમગ્ર વિશ્વમાં ટોક ઓફ ધી ટાઉન છે. આ યુધ્ધ અટકે તે માટે બધા દેશો જ નહીં પણ દેશવાસીઓ ઇચ્છી રહ્યાં છે. ત્યારે ભારત દેશના ગુજરાતમાં આવેલાં સુરતની 12 વર્ષની વિદ્યાર્થીની મનાલી ધકાણે રશીયા – યુક્રેન યુધ્ધ રોકવા માટે રશીયાના પ્રેસીડેન્ટ પુતીનને ટ્વીટ કરીને પત્ર પહોંચાડ્યો છે.
શહેરમાં આવેલી વન્ડરફુલ એકેડમીમાં અભ્યાસ કરતી મનાલી દિપકભાઈ ધકાણ (ઉ.વ. 12) એ હાલ ચાલી રહેલા યુક્રેન – રશિયા યુધ્ધને રોકવા માટે રશિયાના પ્રેસીડેન્ટ પુતીનને પોતાની કાલીઘેલી ભાષામાં યુધ્ધ વિરામ માટે પત્ર લખ્યો છે. અને આ પત્ર પોતાના પિતાની મદદથી પોસ્ટ કર્યો છે અને રશિયા પ્રેસીડેન્ટ ને ટ્વીટર એકાઉન્ટથી ટ્વીટ દ્વારા પણ પત્ર મોકલ્યો છે.
મનાલી ધકાણે પત્રમાં લખ્યું હતું કે જ્યારથી યુક્રેન- રશિયાનું યધ્ધ ચાલુ થયું છે ત્યારથી હું ન્યૂઝ ચેનલો માં સમાચાર જોઉં છું, હું ખુબ જ દુઃખ ની લાગણી અનુભવું છું. તારીખ 26/02/2022 ના રોજ યુક્રેનના રાષ્ટ્રપતિનો વિડીયો જોયો, તેમાં યુક્રેનના રાષ્ટ્રપતિ કહે છે કે રશિયન આર્મી પહેલા મને મારશે અને ત્યારબાદ મારા પરિવારને મારશે, જેનાથી હું ખુબ જ દુઃખી થઈ છું. મારૂ એવું કહેવું છે કે તેમના પરીવાર અને દેશના નાગરિકોનો શું વાંક ? આ યુધ્ધ બાદ કોણ જીતશે ને કોણ હારશે એતો મને નથી ખબર પણ યુધ્ધ દરમિયાન જીવ તો નિર્દોષ નાગરિકોનો જ જવાનો છે.
દેશના વડાપ્રધાન નરેન્દ્ર મોદીએ આપની સાથે ફોનમાં વાત કરીને યુધ્ધ રોકવા માટેની ભલામણ કરી હશે પરંતુ કોઈ પ્રોટોકોલના કારણે એ વધુ વાત નહી કરી શક્યા હોય, માત્ર ભલામણ જ કરી શક્યા હશે. પરંતુ હું એક સામાન્ય નાગરિક છું, હું કોઈ પ્રોટોકોલ નથી જાણતી, મને તો ફક્ત મારી જેવા સામાન્ય નાગરિક સાથેનો લગાવ છે. બે દેશના આંતરીક પ્રશ્નોને લીધે સામાન્ય નાગરિક ઘર વિહોણા બનશે. તે વાત જ મને ખુબ દુઃખી કરી રહી છે. માટે મારી આપને બે હાથ જોડીને પ્રાર્થના છે કે આ યુધ્ધનો અંત લાવશો અને શાંતિ કાયમ કરશો.