સુરતમાં કોરોનાનું સંક્રમણ વધતું જતું હોવાથી તંત્ર દ્વારા શહેરમાં ઘણી જગ્યાએ રેપિડ ટેસ્ટ કરવાની કામગીરી શરુ કરી છે. પરંતુ, રેપિડ ટેસ્ટ કરનારા કર્મચારીઓની બેદરકારી જોવા મળી છે. સુરતના કતારગામ હેલ્થ સેન્ટરમાં કોરોનાનું ટેસ્ટ કરાવતા ત્યાંના હેલ્થ કર્મચારીએ તત્કાલિક એન્ટીજન રિઝલ્ટ પોઝિટિવ આપી દીધું હતું. પરંતુ, તપાસ કરાવનાર પરિવારને શંકા જતા તેમણે પ્રાઇવેટ હોસ્પિટલમાં રિપોર્ટ કરાવ્યા અને સિટી સ્કેન કરાવ્યું. પરંતુ, તેમાં કોરોનાનો રિપોર્ટ નેગેટિવ આવ્યો હતો.

આ પરિવાર સુરતના સિંગણપોર નંદનવનમાં રહે છે. આ ઘટના વિશે ત્રિભુવન સરવૈયાએ જણાવ્યું હતું કે, તેમની પત્ની રીતાબેનને 27મીએ માથામાં સામાન્ય દુખાવો હતો. તેથી તેઓ સિંગણપોર હેલ્થ સેન્ટર પર ટેસ્ટિંગ કરાવા માટે ગયા હતા. ત્યાંથી અમને કતારગામ હેલ્થ સેન્ટર મોકલ્યા. કતારગામ હેલ્થ સેન્ટરમાં રીતાબેનના સેમ્પલ લીધા બાદ હેલ્થ કર્મચારીઓએ કઈ પણ ચેક કર્યા વિના જ એક કાગળ પર સિક્કો મારીને કોવિડ-19 એન્ટીજન રિઝલ્ટ પોઝિટિવ જણાવી દીધું.

જોકે આ અંગે શંકા જતા તેઓ 29મી તારીખે ખાનગી હોસ્પિટલમાં રિપોર્ટ કઢાવ્યા હતા. તેમજ સિટી સ્કેન કરાવ્યા બાદ ડોક્ટરોએ રિપોર્ટ નેગેટિવ હોવાનું જણાવ્યું હતું. ત્યારબાદ રીતાબેનના પતિએ કતારગામ હેલ્થ સેન્ટર પર તેમણે ખાનગી હોસ્પિટલમાં કરાવેલા ટેસ્ટની રિપોર્ટ બતાવતા હેલ્થ સેન્ટરના અધિકારીએ ભુલથી રિપોર્ટ અપાયો હોવાનું જણાવીને પોતાની ભૂલ સ્વીકારી હતી.
આ પણ વાંચો : ક્યારે કોરોના વાયરસના સંપર્કમાં નથી આવ્યા છતાં તેની સામે લડવા શરીર છે સંક્ષમ, જાણો શું છે કારણ
