સુરત : બાળકો વેકેશનને મન મૂકીને માણે, બાળકોની મનપસંદ સહઅભ્યાસિક શૈક્ષણિક પ્રવૃત્તિઓ પ્રત્યે પોતાની રુચિ જળવાયેલી રહે, બાળકોની કુતુહલતા અને જિજ્ઞાસાવૃત્તિ સંતોષાય, બાળકોમાં એકતા, સહકાર, સમૂહભાવના, ખેલદિલી, ધીરજ જેવા ગુણોનો વિકાસ થાય, બાળકોમાં કોઠાસૂઝ વિકસે, શાળા સાથેનું જોડાણ જળવાઈ રહે અને બાળકો વધુ કાર્યદક્ષ બને તેવા હેતુસર અદાણી ફાઉન્ડેશન દ્વારા બાળકોના સર્વાંગી વિકાસ સંદર્ભે ઉત્થાન પ્રોજેક્ટ અંતર્ગત સરકારી પ્રાથમિક શાળાઓમાં સમર કેમ્પનું આયોજન કરવામાં આવ્યું છે.

આ કેમ્પમાં બાળકોને અક્ષર સુધારણા (ગુજરાતી, હિન્દી, અંગ્રેજી), ઓરીગામી, સમૂહ વાંચન, પપેટ બનાવવા, અંક અને ઘડિયા લેખન, હાથરૂમાલ અને ટીશર્ટ પેન્ટિંગ, શબ્દ રમતો, પેપર બેગ, ગ્રીટિંગ્સ કાર્ડ બનાવવા જેવી વિવિધ પ્રવૃતિઓ કરાવવામાં આવી રહી છે. હજીરા કાંઠા વિસ્તારના આઠ ગામના ધોરણ- 4 થી 8 ધોરણના કુલ 412 બાળકો ખૂબ ઉત્સાહભેર સમર કેમ્પમાં ભાગ લઇ રહ્યા છે.

કેમ્પમાં ભાગ લઈ રહેલા બાળકો ઉત્થાન સહાયક પાસેથી વિવિધ પ્રવૃતિ શીખી રહ્યા છે. આ સમર કેમ્પ પૂર્ણ થશે ત્યારે બાળકો દ્વારા તૈયાર થયેલ નમૂનાઓનું પ્રદર્શન ગોઠવાશે, પ્રદર્શનમા બી.આર. કૉ-ઓર્ડીનેટર સી.આર.સી., મુખ્ય શિક્ષકઓ, શિક્ષકો, શાળા વ્યવસ્થાપન સમિતિના સભ્યો, સરપંચશ્રીઓ બહોળા પ્રમાણમાં વાલીઓએ આમંત્રિત કરાશે જેથી બાળકોને પ્રોત્સાહન પૂરું પાડી શકાય.