ગાંધીનગરના પેથાપુરમાં માસૂમ બાળકને સ્વામિનારાયણ ગૌશાળા પાસે મૂકીને અજાણ્યો શખ્સ ફરાર થઈ ગયો હતો. જેમાં એક વ્યક્તિ બાળકને રઝળતું મૂકીને ફરાર થતો હોવાની ઘટના CCTV કેમેરામાં કેદ થઈ હતી. જેમાં તપાસ કરતા બાળકનો પિતા તેને ત્યજીને જતો રહ્યો હતો. જેમાં ગાંધીનગરના પેથાપુર પાસેથી મળી આવેલા શિવાંશ નામના બાળકને જન્મ આપનારી માતાની શોધખોળ દરમિયાન ચોંકાવનારો ખુલાસો થયો છે. શિવાંશની માતા હિના ઉર્ફે મહેંદીની તેના પ્રેમી સચિન દીક્ષિતે બરોડામાં હત્યા કર્યાનો ઘટસ્ફોટ થયો છે.

બાળકના પિતા સચિન દીક્ષિત અને બાળકની માતા હિના ઉર્ફે મહેંદી બરોડાના બાપોદ વિસ્તારમાં રહેતા હતા. બે દિવસ પહેલા સચિનને તેના માતાપિતા સાથે પોતાના વતનમાં જવું હોવાથી તેને હિનાને વાત કરી હતી. જેથી હિનાએ કહ્યું હતું કે, હવે તું ત્યાં જવાનું છોડી દે અને મારી સાથે જ રહે. જે વાતને લઈ બંને વચ્ચે ઝઘડો થતા સચિને ગળું દબાવી હિનાની હત્યા નિપજાવી હતી. બાદમાં લાશને પેક કરી રસોડામાં મુકી દીધી હતી અને ત્યાંથી શિવાંશને લઈ અમદાવાદ આવવા નીકળી ગયો હતો. અમદાવાદ આવતી સમયે શિવાંશને ગાંધીનગરમાં ગૌશાળા પાસે છોડી દીધો હતો અને સચિન તેના પરિવાર સાથે પોતાના વતન જવા નીકળી ગયો હતો.
ઉલ્લેખનિય છે કે 2020માં શિવાંશનો જન્મ થયો હતો. બાદમાં સચિનની જૂન મહિનામાં બરોડામાં બદલી થતા તે બરોડા રહેવા ગયા હતા. બરોડાના બાપોદ વિસ્તારમાં એક ફ્લેટ ભાડે રાખી રહેતા હતા. પોલીસ તપાસમાં જાહેર થયેલી વિગત મુજબ સચિન દીક્ષિત અઠવાડિયા દરમિયાન સોમથી શુક્ર સુધી બરોડામાં હિનાની સાથે રહેતો હતો. શનિવારે તે ગાંધીનગર સ્થિત પોતાના માતાપિતા અને પત્નીની સાથે રહેવા આવતો હતો.