ધોરણ 10 અને 12ના વિદ્યાર્થીઓની પરીક્ષા નજીક આવી રહી છે તેમ તેમ વાલીઓ અને બાળકોમાં ચિંતાનું પ્રમાણ વધી રહ્યું છે. આ વચ્ચે રાજ્ય સરકાર દ્વારા ધોરણ 10 અને 12નાં વિદ્યાર્થીઓ માટે હેલ્પલાઈન નંબરની શરૂઆત કરાઇ છે.
ગુજરાત એજ્યુકેશન બોર્ડની પરીક્ષા આપતા વિદ્યાર્થીઓ પરીક્ષાને લગતી કોઈ પણ સમસ્યા કે સવાલ આ હેલ્પલાઇન નંબર પર પૂછી શકશે. આજથી વિદ્યાર્થીઓ માટે હેલ્પલાઈન નંબર શરૂ કરવામાં આવ્યો છે. જેની પર બોર્ડના વિદ્યાર્થીઓ કોલ કરીને બોર્ડની પરીક્ષાને લગતી કોઈ પણ સમસ્યા કે સવાલ પૂછી શકશે. 1800 233 5500 નંબર ઉપર કોલ કરીને વિદ્યાર્થીઓ પરીક્ષાને લગતા સવાલ પૂછી પોતાનું સમસ્યાનું સમાધાન લાવી શકશે.

આ હેલ્પલાઇન નંબર તારીખ 12 એપ્રિલ સુધી કાર્યરત રહેશે. તેમજ સવારે 10 થી સાંજના 6:30 વાગ્યા સુધી વિદ્યાર્થીઓ આ નંબર પર કોલ કરી શકશે. સાયકોલોજીસ્ટ દ્વારા વિદ્યાર્થીઓનું કાઉન્સેલિંગ કરાશે. અત્રે નોંધનીય છે કે, ગુજરાત શિક્ષણ બોર્ડે ધોરણ 10 અને 12 ની પરીક્ષાની તારીખ જાહેર કરી દીધી છે. આગામી તારીખ 28 માર્ચથી 12 એપ્રિલ સુધી આ પરીક્ષા યોજાશે. માધ્યમિક અને ઉચ્ચતર માધ્યમિક શિક્ષણ બોર્ડ દ્વારા આ જાહેરાત કરવામાં આવી હતી.
ધોરણ 10માં આ વર્ષે પ્રથમ વખત ગણિતની 2 પરીક્ષા અલગ અલગ દિવસે લેવાશે. જેમાં 30 માર્ચે બેઝિક ગણિત અને 31 માર્ચે સ્ટાન્ડર્ડ ગણિતની પરીક્ષા લેવાનું આયોજન કરાયું છે. ધોરણ 10 અને 12ની બોર્ડની પરીક્ષામાં અંદાજે 13 લાખથી વધુ વિદ્યાર્થીઓ પરીક્ષા આપશે.