નવી દિલ્હી: યુક્રેન-રશિયા વચ્ચેના તણાવને લીધે ફસાયેલા 240 ભારતીય નાગરિકોને લઈને બુડાપેસ્ટથી ત્રીજી ફ્લાઈટ પણ રવિવારે વહેલી સવારે દિલ્હી એરપોર્ટ પર ઉતરી ગઈ છે. જ્યાં હાજર રહેલા નાગરિક ઉડ્ડયન મંત્રી જ્યોતિરાદિત્ય સિંધિયાએ એરપોર્ટ પર યુક્રેનથી આવેલા લોકોનું ગુલાબ આપી સ્વાગત કર્યું હતું. યુક્રેન અને રશિયા વચ્ચે તણાવ વધી રહ્યો છે. યુદ્ધના ચોથા દિવસે પણ સતત હુમલા થયા. આવી સ્થિતિમાં ભારત યુક્રેનમાં ફસાયેલા ભારતીયોને બહાર કાઢવા માટે તમામ પ્રયાસો કરી રહ્યું છે. શનિવારે વિદેશ મંત્રી એસ જયશંકરે કહ્યું કે ભારત સરકારે ભારતીયોને બહાર કાઢવા માટે આ મિશનને ઓપરેશન ગંગા નામ આપ્યું છે.
અગાઉ બે ફ્લાઈટથી ભારતીયોને પરત લવાયા હતા. જેમાં પહેલી ફ્લાઈટ, AI 1944 સાંજે 219 લોકોને લઈને બુકારેસ્ટથી મુંબઈ આવી હતી. બીજી ફ્લાઈટ દિલ્હી પહોંચી હતી. એર ઈન્ડિયાએ ટ્વિટર પર સિંધિયાને એરપોર્ટ પરથી બહાર કાઢવાની તસવીરો શેર કરી છે. એરલાઈને કહ્યું, “ઉડ્ડયન મંત્રી જ્યોતિરાદિત્ય સિંધિયાએ ભારતીય નાગરિકોનું સ્વાગત કર્યું. નાગરિકોને AI 1942 દ્વારા 27 ફેબ્રુઆરીની સવારે બુકારેસ્ટથી દિલ્હી પરત લાવવામાં આવ્યા. યુદ્ધગ્રસ્ત યુક્રેનમાં ફસાયેલા ભારતીયોને બહાર કાઢવા માટે આ ફ્લાઈટ ચલાવવામાં આવી રહી છે..”

યુક્રેન ખાતે ફસાયેલા તેના હજારો નાગરિકોમાંથી ભારત રોમાનિયા થઈ લગભગ 219 નાગરિકોની પ્રથમ બેચને પરત લવાયા હતા. આ ઉપરાંત અન્ય લોકોને પણ પાછા લાવવાના પ્રયાસો ચાલુ છે. તાજેતરમાં વડાપ્રધાન નરેન્દ્ર મોદીએ યુક્રેનના રાષ્ટ્રપતિ વોલોદિમિર ઝેલેન્સકી સાથેની વાતચીતમાં ભારતીય નાગરિકોના સુરક્ષિત વાપસીનો મુદ્દો ઉઠાવ્યો હતો. રોમાનિયાની રાજધાની બુકારેસ્ટથી પ્રથમ ફ્લાઈટ લગભગ 7:50 વાગ્યે મુંબઈ એરપોર્ટ પર પહોંચી હતી. કેન્દ્રીય મંત્રી પીયૂષ ગોયલે કટોકટીગ્રસ્ત યુક્રેનમાંથી પરત ફરેલા લોકોનું સ્વાગત કર્યું હતુ.
યુક્રેનમાં હાલની સ્થિતિને જોતા ભારતે યુદ્ધગ્રસ્ત વિસ્તારમાંથી પોતાના નાગરિકોને પરત લાવવાની કામગીરી વધુ ઝડપી બનાવી દીધી છે. આ દરમિયાન મળતી માહિતી મુજબ યુક્રેનમાં ભારતીય અધિકારીઓ તેમના લોકોને પડોશી દેશોમાં લઈ જવામાં ઘણી મુશ્કેલીઓનો સામનો કરી રહ્યા છે. 16,000 ભારતીયો હાલમાં યુક્રેનમાં ફસાયેલા છે. તે મુશ્કેલીઓને દૂર કરવાના પ્રયાસો કરવામાં આવી રહ્યા છે.