મુખ્યમંત્રી ભૂપેન્દ્રભાઈ પટેલ સહિત કેન્દ્ર અને રાજ્ય સરકારના મંત્રીગણ ઉપસ્થિત રહેશેઃ પાંચ ‘થીમ’ ઉપર ઓપનહાઉસ ડિસ્કશન થશે
દેશની ૧૦૦ સ્માર્ટ સિટીના મ્યુનિસિપલ કમિશનરો, ચીફ એક્ઝીક્યુટીવ ઓફિસરો ભાગ લેશે
સ્માર્ટ સીટી અંગેના ૫૧ એવોર્ડ એનાયત કરાશેઃ
શહેરી સુવિધાઓની તંદુરસ્ત ચર્ચાઓ સુરત સમીટમાં યોજાશેઃ શહેરી વિકાસ રાજયમંત્રી વિનોદભાઈ મોરડીયા
સુરતઃગુરૂવારઃ- રાજ્ય સરકાર અને સુરત મહાનગરપાલિકાના યજમાનપદે આગામી તા.૧૮, ૧૯ અને ૨૦ એપ્રિલના રોજ સુરતના આંગણે સરસાણા ઈન્ટરનેશનલ એક્ઝિબીશન એન્ડ કન્વેન્શન સેન્ટર ખાતે ‘સ્માર્ટ સિટીઝ, સ્માર્ટ અર્બનાઈઝેશન’ ત્રિદિવસીય નેશનલ સમીટ યોજાશે. ભારતની આઝાદીના ૭૫માં ‘આઝાદી કા અમૃત મહોત્સવ’ અંતર્ગત સ્માર્ટ સિટીઝ મિશન, મિનીસ્ટ્રી ઓફ હાઉસિંગ એન્ડ અર્બન અફેર્સ (MoHUA) દ્વારા આયોજિત સમીટમાં ‘ઈન્ડિયા સ્માર્ટ સિટીઝ એવોર્ડ કોન્ટેસ્ટ ૨૦૨૨’ પણ યોજાશે.
શહેરી વિકાસ અને શહેરી ગૃહનિર્માણ રાજ્ય મંત્રી વિનોદભાઈ મોરડીયાએ આ સમીટના આયોજન અંગે મીડિયા સાથે વાર્તાલાપ કરતાં જણાવ્યું હતું કે, સુરત શહેર સમગ્ર ભારતમાં ૧૦૦ સ્માર્ટ સીટીમાં પ્રથમ ક્રમે આવ્યું છે ત્યારે આગામી તા.૧૮,૧૯ અને ૨૦મીના રોજ ‘‘સ્માર્ટ સીટીઝ સ્માર્ટ અર્બનાઈઝેશન’’ કોન્ફરન્સનું યજમાન બનવાનું ગૌરવ પ્રાપ્ત થયું છે. ભારતના ૭૦૦થી વધુ શહેરોએ આ સમીટમાં ભાગ લેવા માટે રજીસ્ટ્રેશન કરાવ્યું છે. તા.૧૮મીએ ઉદ્દધાટન સમારોહમાં રાજયના મુખ્યમંત્રી ભૂપેન્દ્રભાઈ પટેલ, કેન્દ્રીય હાઉસીગ અને અર્બન અફેર્સ મંત્રાલયના મંત્રી હરદીપસિંહ પૂરી, કેન્દ્રીય આરોગ્ય મંત્રી મનસુખભાઈ માંડવીયા, રાજયના મંત્રીઓ, ૧૦૦ સ્માર્ટ સીટીના મ્યુનિ.કમિશનરઓ, ચીફ એકઝીકયુટીવ ઓફિસરો ભાગ લેશે. આ અવસરે ઈન્ડિયા સ્માર્ટ IUDX Case Compendium, Al Playbook for cities નું અનાવરણ કરવામાં આવશે. વર્લ્ડ ઇકોનોમિક ફોરમ સાથે વર્ચ્યુઅલ સેન્ટર બાબત MoU સાઈન તેમજ MoHUA દ્વારા “આઝાદી કા અમૃત મહોત્સવ” ઉજવણી અંતર્ગત કરવામાં આવેલ વિવિધ કોમ્પિટિશન માટેનાં એવોર્ડસની જાહેરાત કરવામાં આવશે.

આ પ્રસંગે India Smart Cities Award Contest 2020નુ એવોર્ડ વિતરણ કરવામાં આવશે. જેમાં સ્માર્ટ સીટી મિશન અંતર્ગત કરવામાં આવેલ વિશિષ્ઠ કામગીરી માટે સ્માર્ટ સિટીઓને “સિટી એવોર્ડ”, “ઇનોવેટીવ એવોર્ડ” તેમજ “પ્રોજેક્ટ એવોર્ડ” કેટેગરીઓમાં કુલ ૫૧ એવોર્ડ એનાયત કરવામાં આવશે.
કાર્યક્રમના બીજા દિવસે તા.૧૯મી એપ્રિલના રોજ ઓપન હાઉસ ડિસ્કશન અને ટેકનીકલ સેશન્સ પાંચ થીમ અંતર્ગત થનાર છે. જેમાં ડિજિટલ ગવર્નન્સ, ઇમેજીનીંગ પબ્લિક સ્પેસીસએન્ડ પ્લેસ મેકિંગ,પ્રોક્યોર ઈનોવેશન, ક્લાઇમેટ સ્માર્ટ સિટીઝ, સ્માર્ટ ફાઈનાન્સનો સમાવેશ થાય છે. ગુજરાત રાજ્યની ઝાંખી કરાવતું “ગુજરાત ગૌરવ” પેવેલિયન બનાવવામાં આવનાર છે. જેમાં ગુજરાત રાજ્યના તમામ સ્માર્ટ સિટી અંતર્ગતના શહેરોની વિવિધ કામગીરી તેમજ વૈવિધ્યસભર પ્રોજેક્ટો ડીસ્પ્લે કરવામાં આવશે.

મંત્રીએ કહ્યું કે, ત્રીજા દિવસે તા.૨૦મીના રોજ ડેલીગેટ્સને સુરત શહેરના સ્માર્ટ સીટી મિશન અંતર્ગત આવરેલા વિવિધ પ્રોજેક્ટોને અનુલક્ષીને કેસલ ડ્રાઈવ, સ્માર્ટ રાઈડ, ઈન્ફ્રા વોક, નેચર ટ્રેક અને કેવડીયા ખાતે અખંડ ભારતના નિર્માતા સરદાર વલ્લભભાઈની પ્રતિમા સ્ટેચ્યુ ઓફ યુનિટીની મુલાકાત પણ મહાનુભાવોને કરાવવામાં આવશે. આ પત્રકાર પરિષદમાં મેયર હેમાલીબેન બોધાવાલા, સ્થાયી સમિતિના ચેરમેન પરેશ પટેલ, મ્યુ.કમિશનર બંછાનિધિ પાની, ઉપસ્થિત રહ્યા હતા.
‘સ્માર્ટ સિટીઝ, સ્માર્ટ અર્બનાઈઝેશન’ નેશનલ સમીટમાં ઉપસ્થિત રહેશે ગણમાન્ય મંત્રીઓ, સચિવો અને બ્યુરોક્રેટસ
સુરતના આંગણે આયોજીત ત્રિ-દિવસીય સમીટમાં રાજ્યના મુખ્યમંત્રી ભૂપેન્દ્રભાઈ પટેલ, કેન્દ્રીય હાઉસિંગ અને શહેરી બાબતો, પેટ્રોલિયમ અને નેચરલ ગેસ મંત્રી હરદિપસિંહ પૂરી, કેન્દ્રીય આરોગ્ય મંત્રી મનસુખભાઈ માંડવીયા, સાંસ્કૃતિક અને પર્યટન મંત્રી જી. કિશન રેડ્ડી, કેન્દ્રીય રેલવે મંત્રી અશ્વિની વૈષ્ણવ, રેલવે અને ટેક્ષટાઇલ રાજ્ય મંત્રી દર્શનાબેન જરદોશ, માર્ગ અને મકાન મંત્રી પૂર્ણેશભાઈ મોદી, ગૃહ રાજ્યમંત્રી હર્ષ સંઘવી, કૃષિ, ઉર્જા અને પેટ્રોકેમિકલ રાજ્ય મંત્રી મુકેશભાઈ પટેલ, GIDCના વાઈસ ચેરમેન એન્ડ મેનેજિંગ ડિરેક્ટર એમ. થેન્નારસન, ગુજરાતના મુખ્ય સચિવ પંકજ કુમાર, શહેરી વિકાસ અને શહેરી ગૃહનિર્માણ રાજ્ય મંત્રી વિનોદભાઈ મોરડીયા, પ્રદેશ સંગઠન અધ્યક્ષ અને સાંસદ સી.આર. પાટીલ, નીતિ આયોગના CEO અમિતાભ કાંત સહિત મહાનુભાવો ઉપસ્થિત રહેશે.