ચેમ્બર દ્વારા ‘ઇન્ડિયન પ્રોજેકટસ ફોર સસ્ટેનેબલ ફલો ઓન એનર્જી એન્ડ વોટર વર્સિસ ધી ચેલેન્જ એન્ડ ધી સોલ્યુશન’ વિશે સેમિનાર યોજાયો
સુરત. ધી સધર્ન ગુજરાત ચેમ્બર ઓફ કોમર્સ એન્ડ ઇન્ડસ્ટ્રી દ્વારા મંગળવાર, તા. 12 એપ્રિલ, 2022 ના રોજ સમૃદ્ધિ, નાનપુરા, સુરત ખાતે ‘ઇન્ડિયન પ્રોજેકટ્સ ફોર સસ્ટેનેબલ ફલો ઓન એનર્જી એન્ડ વોટર વર્સિસ ધી ચેલેન્જ એન્ડ ધી સોલ્યુશન’ વિષય ઉપર સેમિનારનું આયોજન કરવામાં આવ્યું હતું. જેમાં નિષ્ણાંત વકતા તરીકે ભારતની પરમાણુ સહેલીનો ખિતાબ મેળવનાર ડો. નીલમ ગોયલે પરમાણુ ઉર્જા તથા અન્ય ઉર્જા સ્ત્રોતો થકી ઉત્પાદિત થતી ઉર્જાના તફાવત વિશે સમજણ આપી હતી.
ડો. નીલમ ગોયલે જણાવ્યું હતું કે કોળસા, બાયોગેસ, સોલાર પાવર, હાઇડ્રો અને ન્યુકિલયર પાવર થકી ઉર્જા ઉત્પાદિત કરવામાં આવે છે. ઉર્જા ઉત્પાદનની આ પ્રક્રિયામાં કાર્બન ડાયોકસાઇડનું સર્જન થાય છે અને તેને કારણે ઘણા રોગો પણ થતા હોય છે. પરંતુ ન્યુકિલયર પાવર થકી ઉર્જા ઉત્પાદનની પ્રક્રિયામાં હજી સુધી કોઇએ જીવ ગુમાવ્યો નથી. આ ઉપરાંત એક હજાર મેગાવોટ ઉર્જાને ઉત્પન્ન કરવા માટે ન્યુકિલયર પાવર પ્લાન્ટને સૌથી ઓછી જમીનની જરૂરિયાત ઉભી થાય છે. હાઇડ્રો પ્લાન્ટને ૪ લાખ હેકટર, વીન્ડ પ્લાન્ટને 80,290 હેકટર, સોલાર પાવર પ્લાન્ટને 15,540 હેકટર, કોળસાના પ્લાન્ટને 700 હેકટર અને ન્યુકિલયર પાવર પ્લાન્ટ માટે રપ૯ હેકટર જમીનની જરૂરિયાત પડે છે.

ન્યુકિલયર પાવર પ્લાન્ટથી અને સોલાર પાવર પ્લાન્ટથી ઉત્પાદિત થતી ઉર્જાની તુલના કરીએ તો ન્યુકિલયર પાવર વર્ષના ૩૬પ માંથી 361 દિવસ અને સોલાર પાવર પ્લાન્ટ 93 દિવસ ઉર્જા ઉત્પન્ન કરે છે. ઉર્જા ઉત્પન્ન કરનારા વિવિધ સ્ત્રોતોની કેપેસિટી ફેકટર ઉપર નજર કરીએ તો સોલાર પાવરની 27 ટકા, વીન્ડની 37 ટકા, હાઇડ્રોની 45 ટકા, બાયોગેસની 50 ટકા, કોળસાની 53 ટકા અને ન્યુકિલયર પાવરની સૌથી વધારે 92 ટકા છે.
ઉદ્યોગો માટે ઇંધણ તરીકે કોળસાની ખૂબ જ આવશ્યકતા હોય છે. જો કે, કોળસાની ગમે ત્યારે ઘટ ઉભી થઇ શકે છે. જેને કારણે ઉદ્યોગોની ઉત્પાદન પ્રક્રિયા ઉપર તેની માઠી અસર વર્તાઇ શકે છે. આથી ન્યુકિલયર પાવર પ્લાન્ટ થકી ઉત્પન્ન થનાર ઉર્જાની હાલમાં ખૂબ જ જરૂરિયાત છે. એના માટે જમીનની જરૂરિયાત પણ ઓછી ઉભી થતી હોવાથી અને વર્ષભર તેના થકી ઉર્જાનું ઉત્પન્ન થતું હોવાથી સુરતના ઉદ્યોગો માટે પરમાણુ ઉર્જાની વધારે જરૂરિયાત છે.
ભારતમાં 23 જેટલા પરમાણુ ઉર્જા ઘર છે અને તેમાંથી એક ગુજરાતના કાકરાપાર ખાતે આવેલું છે. હાલમાં દેશભરમાં દસ જેટલા ન્યુકિલયર પાવર પ્લાન્ટ સ્થાપવાનું આયોજન કરવામાં આવ્યું છે. જેમાં સુરતનો પણ સમાવેશ થાય છે. સુરતમાં 500 મેગાવોટ વીજળી ઉત્પન્ન કરી શકે તેવા બે પ્લાન્ટ સ્થાપવા માટેની વિચારણા ચાલી રહી છે.
ચેમ્બરના ગૃપ ચેરમેન ભાવેશ ટેલરે સ્વાગત પ્રવચન કરી સેમિનારનું સમગ્ર સંચાલન કર્યું હતું.