રાજ્યમાં વધતા જતા કોરોના સંકટમાં ડોક્ટરો અને નર્સ મહત્વપૂર્ણ સેવા આપી રહ્યા છે. હાલમાં કોરોના દર્દીઓની સેવા કરી રહેલા તબીબ દંપતિ લોકો માટે પ્રેરણા દાયક બન્યા છે. ડો.હિરેન આણદાણી સ્મીમેર અને તેમના પત્ની ડો.દિશા આણદાણી નવી સિવિલમાં રેસિડેન્ટ ડોક્ટર તરીકે ફરજ નિભાવી રહ્યા છે. કોરોના દર્દીઓની સારવાર દરમિયાન ડો.દિશા કોરોનાગ્રસ્ત થયા હતા. ત્યારબાદ 14 દિવસ ખાનગી હોટેલમાં કોરેન્ટાઇન રહી કોરોનાને મહાત આપી પોતાની ફરજે હાજર થયા છે. પોતાના પત્ની કોરોનાગ્રસ્ત હોવા છતાં ડો.હિરેન અણદાણી પોતાની ફરજ નિભાવવા સ્મીમેરમાં દિવસ રાત કામ કરતા હતા.
આ વિશે ડો.હિરેને જણાવ્યું કે, ‘સ્મીમેરની કોવિડ હોસ્પિટલના આઇ.સી.યુ.વોર્ડમાં છેલ્લાં 6 મહિનાથી ફરજ બજાવી રહયો છું. મારી પત્ની અને જામનગરમાં રહેતા મારા માતા-પિતાને પણ કોરોનાનું સંક્રમણ થયું હતું. એમની સાથે વિડિયો કોલ દ્વારા વાત કરી સંતોષ માનવો પડતો. સ્મીમેર હોસ્પિટલમાં સારવાર લઇ રહેલા તમામ પેશન્ટો પણ મારો પરિવાર છે. તેમને સારા કરવા મારો સંકલ્પ છે. તેમની સેવા કરવામાં મને ગર્વ અને સંતોષ છે.
આ પણ વાંચો : તાલે તાલે કોરોના ભગાડવા તૈયાર થઇ જાઓ ગુજરાતીઓ, નીતિન પટેલે આપ્યો આ ઇશારો
ડો. દિશા જણાવે છે કે, કોરોનાગ્રસ્ત હતી ત્યારે હું પતિ સાથે વિડીયો કોલ પર વાત કરી તેમને ચિંતા ન કરી દર્દીઓની સેવા કરવા જણાવતી. આમારા બંનેનું ધ્યેય સુરત કોરોનામુક્ત ન થાય ત્યાં સુધી ફરજ બજાવવાનું છે. અમારા કામ માટે પરિવાર પણ સાથ અને સહકાર આપે છે.
