રાજકોટ સીંગતેલ ના ભાવમાં ફરી 20 રૂપિયા નો વધારો કપાસિયા તેલના ભાવમાં 10 રૂપિયા નો વધારો થતાં સામાન્ય વર્ગને ફટકો પડ્યો છે. જોકે, સદ્ધર લોકો એક સાથે તેલ ખરીદી લેતા હોવાથી તેમને આ ભાવ વધારો નથી નડતો પરંતુ જે લોકો દર મહિને કરિયાણું ખરીદે છે તેમના માટે આ ભાવ મુશ્કેલી સમ્માન છે.

હાલમાં સિંગતેલના ડબ્બાનો ભાવ 1780 થી 1800 રૂપિયા અને કપાસિયા તેલનો ભાવ 1400 રૂપિયા જેટલો થયો છે. સિંગતેલના ભાવ સતત વઘારા પાછળનું કારણ ચીન છે. ચીનમાં પણ મગફળીનું મોટા પ્રમાણમા વાવેતર થાય છે. ભારે વરસાદને કારણે ચીનમાં મગફળીનો પાક નિષ્ફળ જતાં ચીને ભારતના સિંગતેલ પર આઘાર રાખવો પડ્યો છે. રાજકોટ એડિબલ ઓઇલ એસોશિએશનના પ્રમુખનું કહેવું છે કે ચીને ગયા વર્ષે ભારતમાંથી 15 હજાર ટનની આયાત કરી હતી.

આ વર્ષે ચીન તરફથી ભારતને 30 હજાર ટનનો ઓર્ડર મળ્યો છે. આ વર્ષે રાજયમાં મગફળીનુ અંદાજે 31 લાખ ટન ઉત્પાદન થવાનું છે. જોકે, વેપારીઓ એવું પણ કહે છે કે સિંગતેલના ભાવ વઘારા માટે માત્ર ચીન જ નહીં પણ મલેશિયા પણ જવાબદાર છે. ચાલુ વર્ષે રાજકીય અને વૈશ્વિક કારણોને લીધે મલેશિયામાંથી પામતેલની આયાત થઇ શકી નથી. આથી સ્થાનિક તેલોની માંગમાં વઘારો થતા સિંગતેલ અને કપાસિયા તેલના ભાવમાં વઘારો થઇ રહ્યો છે.

સૌરાષ્ટ્ર અને ઉતર ગુજરાતનાં મોટા પ્રમાણમા મગફળીનું ઉત્પાદન થાય છે, ત્યારે દર વર્ષે ખેડૂતોને મગફળીના સારા ભાવ નથી મળતા. ખેડૂતોએ પણ અનેકવાર માંગ કરી છે કે સરકાર સિંગતેલ અને સિંગદાણાની નિકાસ કરે તો જ સારા ભાવ મળે. હાલમા ચીનની માંગને પગલે ખેડૂતોને આગામી દિવસોમાં મગફળીના સારા ભાવ મળી શકે છે.
