ગુજરાતમાં જ્યારથી BRTS ચાલતી થઇ છે ત્યારથી BRTS અકસ્માતોની ઘટના થોડે થોડે દિવસે જોવા મળે છે. અને લોકો મૃત્યુ પામતા હોય છે. BRTS ના ચાલકો બસ કોઈના જીવની પરવા કર્યા વગર બેફામ બસ હંકારતા રહે છે. અને લોકો પોતાનો જીવ ગુમાવતા રહે છે.
માત્ર 24 કલાકમાં સુરત અને અમદાવાદ એમ બંને મોટા શહેરો માં BRTS અકસ્માતની ઘટના સામે આવી છે. સુરતમાં ગઈકાલે સિટી બસની ટક્કરે ત્રણના મોત નિપજ્યા હતા. આ ઘટનાને હજી ચોવીસ કલાક પણ થયા નથી, ત્યાં અમદાવાદમાં સરકારી બસ બે લોકોના જીવ ભરખી ગઈ છે.અમદાવાદના પાંજરાપોળ વિસ્તારમાં BRTS બસની અડફેટે બે લોકોના ઘટનાસ્થળે જ મોત નિપજ્યાં છે. આ અકસ્માત બાદ લોકોએ રોષે ભરાયેલા બાદમાં બીઆરટીએસની બસને તોડફોડ કરવાની શરૂ કરી હતી.

અમદાવાદમાં BRTSની અડફેટે બે સગા ભાઈના મોત નિપજ્યા હતા. બંને ભાઈ બાઈક પર જઈ રહ્યા હતા ત્યારે તેઓ BRTSની ટક્કર લાગતા અકસ્માત સર્જાયો હતો. ત્યારે લોકોના ટોળે ટોળા ભેગા થઇ BRTS બસ પર પથ્થરમારો કરી રોષ ઠાલવ્યો હતો. એક મૃતક નયનભાઈના પત્ની દાણીલીમડામાં PSI છે.
સુરતમાં સીટી બસની અડફેટે મોતને ભેટેલા લોકોનાં મૃતદેહો સ્વીકારવાનો તેમના પરિવારના લોકોએ ઇન્કાર કરી દીધો છે. એટલે કે સુરતના મૃતકોને અગ્નિદાહ અપાયો નથી.
