વડાપ્રધાન નરેન્દ્ર મોદીનું ડ્રીમ પ્રોજેક્ટ ‘અમદાવાદ-મુંબઈ હાઇસ્પીડ બુલેટ ટ્રેન’ છે. હાલમાં જ NHSRCL (નેશનલ હાઈસ્પીડ રેલ કોર્પોરેશન લિ.) ના ડાયરેક્ટર અચલ ખરેએ અમદાવાદ-મુંબઈ વચ્ચે દોડનારી બુલેટ ટ્રેનને લઈને પત્રકારો સાથે વાતચીત કરી. જેમાં તેમણે જણાવ્યું હતું કે, બુલેટ ટ્રેનની કામગીરી શરૂ થઇ ગઈ છે. બુલેટ ટ્રેનના જમીનને લઈને જે પણ વિવાદ હતા એ દૂર થઇ રહ્યા છે. જંત્રીના ભાવે જમીન આપવાને લઈને ઉભા થયેલા વિવાદને રાજ્ય સરકારને રજૂઆત કરતા જંત્રીના ભાવ વધારીને આપ્યા છે. જેના કારણે ખેડૂતો જમીન આપવા તૈયાર થઇ ગયા છે.
અમદાવાદથી મુંબઈ સુધીનું આશરે ભાડું રૂ. 3000
અચલ ખરેએ આગળ જણાવ્યું કે, ટ્રેનના રુટ માટેની ગુજરાતના 5300 થી વધુ પ્લોટની જમીન સંપાદીત કરવામાં આવશે. જેમાંથી 2600 જેટલા પ્લોટની જમીન સંપાદીત થઇ ગઈ છે. બાકીની જમીન માટેની કામગીરી ચાલુ છે. બુલેટ ટ્રેનનો સમગ્ર પ્રોજેક્ટ ડિસેમ્બર 2023 સુધીમાં પૂર્ણ થઇ જશે. સાબરમતીથી મુંબઈ સુધીનું આશરે ભાડું રૂ.3000 જેટલું હોઈ શકે છે.
બુલેટ ટ્રેન બનાવવાનો કુલ ખર્ચ 1 લાખ કરોડથી વધુ
અચલ ખરે મુજબ, મુંબઈના છત્રપતિ શિવાજી ટર્મિનલથી અમદાવાદના સાબરમતી જંક્શન સુધી દોડનારી બુલેટ ટ્રેનનો કુલ ખર્ચ 1 લાખ કરોડથી વધુ થશે. આ પ્રોજેક્ટમાં જમીન સંપાદીત કરવા માટે રૂ. 17,000 કરોડ ખર્ચવામાં આવ્યા છે. તેમજ બુલેટ ટ્રેનના રૂટમાં આવતા ગુજરાતના 158 ગામોની જમીન સંપાદીત કરવામાં આવી છે. જેમાંથી માત્ર 15 ગામોની જમીનમાં જ જંત્રીના ભાવને લઈને તકલીફ પડી છે. ટ્રેનના રૂટમાં આવતા નાંદેજના ગેરતપૂર પાસેના ONGC ના 5 કૂવા ખસેડવામાં આવ્યા છે.
કુલ 1600 જેટલા ઇલેક્ટ્રિક પોલ ખસેડવામાં આવ્યા.
NHSRCLના ડાયરેકટરે આગળ જણાવ્યું કે , કુલ 1600 જેટલા ઇલેક્ટ્રિક પોલ પણ ખસેડવામાં આવ્યા છે. જેમાં કાલુપુર રેલવે સ્ટેશન પાસેથી પ્લેટફોર્મ નંબર 10,11,12 પર આવેલા સિગ્નલના 400 થી વધુ કેબલ ખસેડવામાં આવ્યા છે. અંદાજે 1000 કિ.મી.ના કેબલ ખસેડ્યા છે. અમદાવાદમાં રેલવે સાથે પણ અમે વાતચીત કરી અને કામગીરી કરી રહ્યા છીએ. અમદાવાદમાં 15 અને વડોદરામાં 8 કિ.મી. એમ 22 કિ.મી. જેટલા અંતર સુધી રેલવે અને બુલેટ ટ્રેન એક જ રૂટ પર છે. બુલેટ ટ્રેનની કામગીરી એ રીતે કરવામાં આવી રહી છે જેથી રેલવેને કોઈપણ પ્રકારની અસર નહીં થાય.
માત્ર 2 કલાક અને 7 મિનિટમાં જ 508 કિ.મી. નું અંતર કપાશે
આ ટ્રેનના પ્રોજેક્ટનું ખાતમુહૂર્ત 14 સપ્ટેમ્બર ,2017 માં PM મોદી અને શિન્જો આબેએ કર્યું હતું. બુલેટ ટ્રેન માટે મુંબઈથી અમદાવાદ સુધીના 12 સ્ટેશન બનાવવામાં આવશે. બુલેટ ટ્રેનની લંબાઈ 508.5 કિલોમીટર રહેશે. બુલેટ ટ્રેનની ઓપરેટિંગ સ્પીડ 320 કિ.મી. પ્રતિ કલાક રહેશે. તેમજ મુંબઈ અને અમદાવાદ વચ્ચેનું 508 કિ.મી.નું અંતર માત્ર 2 કલાક 7 મિનિટમાં જ કપાશે. આ પ્રોજેકટ વર્ષ 2023માં પૂર્ણ થશે. અમદાવાદના સાબરમતી ખાતે બુલેટ ટ્રેનનું સ્ટેશન બનાવવામાં આવશે. આ સ્ટેશનની ડિઝાઇન જાપાનના શિંકાનસેન ડિઝાઈનના આધારે તૈયાર કરવામાં આવી રહી છે. આ ડ્રીમ માટે 55 લાખ મેટ્રિક ટન સિમેન્ટ અને 15 લાખ મેટ્રિક ટન સ્ટીલનો ઉપયોગ કરવામાં આવશે.

NewsAayog ફેસબુક, ટ્વિટર, ઇન્સ્ટાગ્રામ અને યુ ટ્યુબ પર પણ લાઇક અને ફોલો કરી શકો છો.લેટેસ્ટ ન્યૂઝ અપડેટ્સ તમારા ફોન પર સૌથી પહેલા મેળવવા માટે +919104135991 અમને તમારું નામ અને શહેરનું નામ મેસેજ કરો.