રવિવારે સાંજે કાંકરિયાના એડવેન્ચર પાર્કમાં રાઇડ તૂટી પડી અને ત્રણ સહેલાણીઓના મોત થયા તેને પગલે તંત્ર દોડતું થઇ ગયું હતું અને મ્યુનિસિપલ કમિશ્નર વિજય નહેરા, ડીસીપી બિપીન આહિરે, મેયર બિજલ પટેલ વગેરે તરત જ સ્થળ પર મગરના આંસુ સારવા પહોંચી ગયા હતા.
પ્રારંભિક માહિતી અનુસાર રાઇડ ચલાવવા માટે ફિટ ન હોય એવી રીતે તૂટી પડી હોવા છતાં તેના માલિકે કમિશ્નર અને ડીસીપી પાસે જરા પણ ડર્યા વગર બચાવ કરતાં કહ્યું હતું કે આ રાઈડ્સ માટે દર સોમવારે ફાયરબ્રિગેડ, પીડબલ્યુડી, પોલીસ અને કોર્પોરેશનમાંથી સેફટી સર્ટિફિકેટ મેળવવામાં આવતું હતું.
પોલીસની પ્રાથમિક તપાસમાં બહાર આવેલી વિગતો મુજબ 6 જુલાઈના જ રાઈડનું ઈન્સ્પેક્શન કરી સેફ્ટી સર્ટિફિકેટ આપવામાં આવ્યું હતું છતાં તેના માત્ર આઠ દિવસ પછી જ રાઈડ ધરાશાયી થઈ ગઈ હતી. દરમિયાન એલ.જી.માં દાખલ 29 ઈજાગ્રસ્તોમાંથી બેની હાલત ગંભીર હોવાથી મૃત્યુનો આંક વધે તેવી શક્યતા છે.
પોલીસ દ્વારા મોડે મોડે અટકાયતમાં લેવાયેલા રાઇડના માલિક ઘનશ્યામ પટેલ સહેજે ડર્યા વગર બચાવ કરતો હતો. ઘનશ્યામ પટેલે તો દુર્ઘટના પછી નફટ્ટાઇની હદ વટાવીને કમિશ્નરને કીધુ હતું કે અમારી પાસે રૂ. 1 કરોડનો વીમો છે અને તેના પૈસામાંથી તમામ મૃતકો-ઇજાગ્રસ્તોને વળતર આપી દઇશું.
એમ્યુઝમેન્ટપાર્કમાં લાયસન્સીંગ ઓર્થારિટી પોલીસ વિભાગ આપે છે. જેણે છેલ્લે 6 જુલાઇએ રાઇડનું ઇન્સ્પેકશન કર્યુ હોવાનું ટોચના અધિકારી જણાવી રહ્યા છે. એમના કહેવા પ્રમાણે ફાયર બ્રિગેડ સત્તાવાળાઓ પાસે સેફટી સંદર્ભે એનઓસી લેવાનું હોય છે જે લેવાયુ હતું.
