આંતરાષ્ટ્રીય આર્થિક પરિબળોની સાથે સાથે ભારત પણ અર્થતંત્રની ગતિમાં સ્લોડાઉનનો અનુભવ કરી રહ્યું છે
ભારતનું અર્થતંત્ર ડગમગી રહ્યું છે. છેલ્લા થોડા સમયથી વિવિધ રાષ્ટ્રીય તેમજ આંતરરાષ્ટ્રીય રેટિંગ એજન્સી જીડીપી તથા વિકાસદરની બાબતમાં આશાવાદી દેખાતી નથી અને પરિણામે રેટિંગ જે થોડા સમય પહેલાં સંતુલિત હતું તે નૅગેટિવમાં પહોંચી ગયું છે. આર્થિક નિષ્ણાતો આ માટે ઘટી રહેલી માંગને કારણભૂત માને છે.
ફિચ જૂથની ભારતીય પાંખ ઈન્ડિયા રેટિંગ એન્ડ રિસર્ચના મતે શહેરી અને ગ્રામ્ય બંને ક્ષેત્રમાં માંગમાં ઘટાડો થવાને કારણે આગામી સમયમાં જીડીપી વિકાસ દરનો અંદાજ ઘટાડ્યો છે. અગાઉ આ ગાળા માટે 6.7 ટકા વિકાસદરનો અંદાજ મૂકવામાં આવ્યો હતો. એજન્સીએ વર્ષની શરૂઆતમાં ભારતનો વિકાસદર 7.3 ટકા મૂક્યો હતો, જે વર્ષની મધ્યમાં ઘટાડીને 6.7 ટકા કર્યો હતો. પણ હવે એ અંદાજ પણ ઘટાડીને 6.1 ટકા કરી દીધો છે. મૂડીઝે પણ ભારતના અર્થતંત્ર બાબતે નિરાશાવાદી રેટિંગ આપ્યું છે.
આ પણ વાંચો : શું બજારમાં આ અઠવાડિયે જોવા મળશે Moody’s ના નેગેટિવ આઉટલુકની અસર ?
સરકારે તાજેતરમાં અર્થતંત્રમાં પ્રાણ ફૂંકવા માટે કેટલાક પગલાં લીધા છે, તેમ છતાં રેટિંગ એજન્સીઓના મતે સરકારે સપ્લાય સાઇડમાં પગલાં લીધા છે, ડીમાન્ડ સાઇડમાં નહીં. આવા એકતરફી પગલાંથી અર્થતંત્રને ચેતનવંતુ કરવાની દિશામાં કોઈ ખાસ ફેર નહીં પડે.

સરકારે ગયા મહિને ભારતીય ઉદ્યોગક્ષેત્ર માટે તથા આ મહિને બાંધકામક્ષેત્ર (રિયલ એસ્ટેટ) માટે પૅકેજ જાહેર કરીને મંદીની અસર ઓછી કરવાના પ્રયાસ જરૂર કર્યા છે, પરંતુ તેનાથી કોઈ મોટો ફેર પડે તેવું લાગતું નથી. તેનું કારણ કદાચ વૈશ્વિક મંદીની અસર પણ હોઈ શકે. કેમ કે, આ મહિને જ પોલેન્ડની રેટિંગ એજન્સી સ્કોપે પણ પોલેન્ડના જીડીપી દરમાં ઘટાડો થવાની સંભાવના વ્યક્ત કરી છે. સ્કોપના અંદાજ અનુસાર પોલેન્ડનો જીડીપી દર ઘટીને 4 ટકા અને 2020માં તેનાથી પણ ઘટીને 3.5 ટકા થઈ શકે છે. 2018માં જીડીપી દર 5.1 ટકા હતા. અમેરિકા તેમજ ચીન પણ તેમની ટ્રેડવૉરની સાથે અર્થતંત્રમાં સ્લોડાઉનનો સામનો કરી રહ્યા છે. પોલેન્ડની સ્કોપ એજન્સીએ યુરોપના અન્ય દેશોમાં પણ આગામી થોડા મહિના સુધી મંદીની અસર રહેવાની આશંકા વ્યક્ત કરી છે.
જાણીતા પત્રકાર અને રાજકીય વિશ્લેષ્ક અલકેશ પટેલની કલમે
