કોરોના મહામારી અને લોકડાઉને લોકોને ઘણું બધું શીખવી દીધું છે. કોરોનાની સ્થિતિમાં લોકોને સમજાયું કે પૈસા કરતાંય જીવન વધુ મહત્વનું હોય છે. સિવિલના અનેક કર્મચારીઓએ આ વાતને સિદ્ધ કરી દીધી છે. કર્મચારીઓએ દર્દીઓની સાથે જ તેમના કિંમતી સામાન સાચવવાની પણ ફરજ બજાવી છે. જ્યારે કોઈ દર્દીને રજા આપવામાં આવે અથવા મૃત્યુ થતી હતી ત્યારે નજીકના સ્વજનો જરૂરી કામમાં કે મૃતકની અંતિમવિધિમાં વ્યસ્ત હોવાના કારણે દર્દીનો સામાન લઈ જવાનું ભુલી જતા હતા પણ નવી સિવિલ સિકયુરીટી ટીમે ફરજ અને માનવતાના માર્ગે ચાલી અત્યાર સુધીમાં સોના, ચાંદી જેવી કિંમતી વસ્તુઓ તથા રોકડ રકમ મળી 100 થી વધુ દર્દીઓના સ્વજનોને તેમનો સામાન પરત કરી, ફરજ સાથે ઉત્તમ અને પ્રેરણાત્મક ઉદાહરણ પુરૂ પાડ્યું છે.
એક નવતર પ્રયોગ

સુરત સિવિલ હોસ્પિટલના ચીફ સિકયુરીટી ઓફિસરશ્રી હરેન ગાંધી જણાવે છે કે, અમારી ટીમે નવતર પ્રયોગ કર્યો છે. જ્યારે દર્દી દાખલ થાય ત્યારે જ તેના નજીકના ત્રણ સંબંધીઓના નંબર લેવામાં આવે છે, દર્દીનું ચેકિંગ કરવામાં આવે છે, એ સમયે એમની પાસે મળેલી કિંમતી વસ્તુની નોંધ ઓર્નામેન્ટ રજિસ્ટરમાં કરી એમના સગાસંબધીઓનો સંપર્ક સાધી સામાન પરત સોંપી દેવામાં આવે છે. આઠ સભ્યોની ટીમ સાથે 15 જુલાઈથી બે મુહિમ હાથ ધરવામાં આવી હતી.જેમાં પહેલી મુહિમમાં સારવાર લઈ રહેલા દર્દીઓ પાસે કિંમતી વસ્તુઓ શું શું છે એની માહિતી એકત્ર કરી સર્વે કરવામાં આવ્યો. જેમાં 400 જેટલા દર્દીઓ પાસેથી મળેલી કિંમતી ચીજવસ્તુઓ જેવી કે, સોના-ચાંદીના દાગીના, ચેઈન, રિંગ , મોબાઈલ, રોકડ રકમ, બંગડી, કાનની બુટ્ટી મંગળસૂત્ર જેવી વસ્તુઓ પોતાના પરિવારજનોનો સંપર્ક કરી પરત આપવામાં આવી છે.
નૈતિક ફરજ

ઈન્ડિયન એરફોર્સમાંથી સેવાનિવૃત્ત થયેલાં એક્સ-આર્મીમેન હરેન ગાંધી જણાવે છે કે, સિક્યુરિટીની કામગીરીની સાથે-સાથે કોરોના દર્દીઓની કિમતી વસ્તુની સુરક્ષા કરવાની પણ અમારી નૈતિક ફરજ છે. જેથી હવેથી દર્દી એડમિટ થતાની સાથે જ ચેકિંગ કરી દર્દીઓ પાસે જો કોઈ કિંમત ચીજવસ્તુ મળે તો પરિવારજનોને સોંપી દેવામાં આવે છે. આ કામગીરી માટે એક વ્યક્તિની નિમણુંક કરવામાં આવી છે. જે દર્દીઓના પરિવારને એમની કિંમતી વસ્તુઓ આપી ફોટો લઈ લે છે. કારણ કે ઘણીવાર દર્દીઓ માનસિક રીતે પડી ભાંગ્યા હોય છે ત્યારે એમની પાસે રહેલી કિંમતી વસ્તુઓનું પણ ધ્યાન રહેતું નથી. જેથી આ પ્રયાસ થકી દર્દીની સંભાળ સાથે એમના સોના-ચાંદીના ઘરેણા, રૂપિયાની પણ સિક્યુરિટી રહે છે.”
સિવિલ હોસ્પિટલમાં આવતા દર્દીઓ પાસેથી એક ફોર્મ ભરાવવામાં આવે છે. જેમાં દર્દી પાસે રહેલી વસ્તુઓ અને પૈસાની વિગત વિષે માહિતી મેળવવામાં આવે છે અને જ્યારે દર્દી ડિસચાર્જ થાય. ત્યારે દર્દીને પાછું આપવામાં આવે છે. જો કોઈ દર્દી ૧૦૮માં એકલા આવે તો તેનો કિંમતી સામાન ગ્રાઉન્ડ ફ્લોર પરથી જ તેની પાસે લઈને, તેમના સંબંધીઓને બોલાવીને સલામત રીતે પરત સોંપવામાં આવે છે.

આમ, સિવિલ હોસ્પિટલમાં દર્દીઓની સાર-સંભાળ સાથે તેમનો કિંમતી સામાન પરિવારજનોને પહોંચાડવાની અનોખી જવાબદારી પણ સિકયોરીટી ઓફિસરો દ્વારા નિભાવવામાં આવે છે.