છેલ્લા 11 દિવસ યુક્રેન અને રશિયા વચ્ચે યુદ્ધ ચાલી રહ્યું છે. બંને દેશ વચ્ચે શાંતિ મંત્રણાની બે બેઠક નિષ્ફળ ગયા પછી રશિયા વધુ આક્રમક બન્યું છે. રશિયન સૈન્ય હવે યુક્રેનમાં ત્રીજું પરમાણુ મથક કબજે કરવા આગેકૂચ કરી રહ્યું છે જ્યારે રશિયન સૈન્યે રવિવારે વિનિત્સિયા શહેર પર ભારે બોમ્બમારો અને મિસાઈલ હુમલો કર્યો હતો, જેમાં શહેરના નાગરિક ઝેલેન્સ્કી એરપોર્ટનો નાશ થયો હતો. આ હુમલાઓ વચ્ચે રવિવારે આંતરરાષ્ટ્રીય નાણાં ભંડોળ (આઈએમએફ)એ ચેતવણી આપી છે કે રશિયા-યુક્રેન યુદ્ધ અને ત્યાર પછી રશિયા પર મૂકાયેલા પ્રતિબંધોથી દુનિયાનું અર્થતંત્ર ડામાડોળ થઈ જશે. વર્તમાન સંકટથી મોંઘવારી માઝા મૂકશે
આઈએમએફે જણાવ્યું કે, કોરોનાના કારણે મુશ્કેલીમાં મુકાયેલા વૈશ્વિક અર્થતંત્રમાં વસ્તુઓના ભાવ પર પહેલાથી જ ઘણું દબાણ છે. એવામાં વર્તમાન સંકટથી મોંઘવારીનો દર વધી શકે છે અને આર્થિક પ્રવૃત્તિઓને આંચકા વાગી શકે છે. તેણે આશા વ્યક્ત કરી કે તેનું બોર્ડ આગામી સપ્તાહે યુક્રેનની ૧.૪ અબજ ડોલરની ઈમર્જન્સી ફન્ડિંગની અપીલ પર નિર્ણય કરશે. યુક્રેન પર રશિયાના આક્રમણ પછી અનાજ અને એનર્જીના ભાવ સતત વધી રહ્યા છે. આ યુદ્ધના કારણે દુનિયાભરના શૅરબજારોમાં છેલ્લા કેટલાક સપ્તાહથી સતત નરમાઈ જોવા મળી રહી છે. બીજીબાજુ દુનિયાભરની અનેક કંપનીઓ રશિયા અને યુક્રેનમાંથી કારોબાર સમેટી રહી હોવાથી પણ સ્થિતિ મુશ્કેલ બનશે.
પશ્ચિમી દેશોના પ્રતિબંધો રશિયા સામે યુદ્ધની જાહેરાત સમાન : રશિયન પ્રમુખ
રશિયન પ્રમુખ વ્લાદિમિર પુતિને ચેતવણી આપતા કહ્યું કે, મારિયુપોલમાં ગઈકાલે રશિયાએ યુદ્ધવિરામની જાહેરાત કરી હતી, પરંતુ યુક્રેને સીઝફાયરનો ભંગ કર્યો હતો. રશિયા સામે લડવાનું અને પશ્ચિમી દેશોનો સાથ મેળવવાનું યુક્રેનનું વલણ ચાલુ રહેશે તો આ દેશનું ભવિષ્ય અંધકારમય છે. તેમણે પશ્ચિમી પ્રતિબંધોને રશિયા વિરુદ્ધ યુદ્ધની જાહેરાત સમાન ગણાવ્યા હતા. પુતિને કહ્યું કે, યુક્રેનીઓ રશિયાનો પ્રતિકાર ચાલુ રાખશે તો એક દેશ તરીકે યુક્રેનના દરજ્જા પર સવાલ ઉઠાવવાનું તેઓ આહ્વાન કરશે. અને જો આવું થશે તો તેના માટે સંપૂર્ણપણે યુક્રેન જ જવાબદાર રહેશે. પુતિને રશિયાના અર્થતંત્રને નુકસાન પહોંચાડવા અને તેના ચલણને નરમ કરવા માટે લગાવાઈ રહેલા આર્થિક પ્રતિબંધો મુદ્દે પશ્ચિમી દેશોને આડેહાથ લીધા હતા.
ઈરપિનમાં રશિયન ગોળીબારમાં ૩નાં મોત
બીજીબાજુ યુક્રેન પર સતત હુમલા ચાલુ રાખતા રશિયન સૈન્ય યુક્રેનના ત્રીજા પરમાણુ મથક પર કબજો જમાવવા માટે આગળ વધી રહ્યું છે. ઈરપિનમાં રશિયન ગોળીબારમાં બે બાળકો સહિત ત્રણ નાગરિકોનાં મોત નીપજ્યાં છે. વધુમાં યુક્રેનના ઓડેસા પોર્ટ સિટી પર હુમલા કરવા માટે રશિયાએ તૈયારી કરી લીધી છે. યુક્રેનના પ્રમુખ વોલોદિમિર ઝેલેન્સ્કીએ અમેરિકાના ૩૦૦ સાંસદો સાથે લગભગ એક કલાક સુધી વાતચીત કરતાં કહ્યું કે રશિયન સૈન્યે યુક્રેનના બે પરમાણુ ઊર્જા કેન્દ્રો પર કબજો મેળવી લીધો છે. ઝેલેન્સ્કીએ કહ્યું કે હવે ત્રીજું પરમાણુ મથક જોખમમાં છે. આ ન્યુક્લિયર પાવર પ્લાન્ટ યુઝ્નૌક્રનસ્કમાં સ્થિત છે. અગાઉ રશિયાએ યુક્રેનના એર્નોહોદાર ખાતે યુરોપનું સૌથી મોટું પરમાણુ મથક ઝેપોરિઝ્ઝિયા અને ચેર્નોબિલમાં ન્યૂક્લિયર પાવર પ્લાન્ટ પર કબજો જમાવેલો છે.