સુરત શહેરની વિવિધ કાપડ માર્કેટો તેમજ અન્ય વિસ્તારોમાં દુકાનો ભાડે રાખી વિવર્સો પાસેથી ઉધારમાં કાપડ ખરીદી રૂપિયા નહીં ચૂકવતી ચીટર ગેંગ સામે પોલીસ કાર્યવાહી કરે એવી એક માંગ સાથે ફેડરેસન ઓફ ગુજરાત વીવર્સ વેલફે૨ એસોસીએશને સુરત પોલીસ કમીશનર ને આવેદનપત્ર આપ્યું હતું. પોલીસે કમીશનરે આવા ચીટરો સામે પુરાવાઓ રજૂ કરવામાં આવશે તો તેઓ સામે ફોજદારીનો ગુનો દાખલ કરવામાં આવશે એવી ખાતરી આપતા વિવર્સોમાં આનંદની લાગણી છવાઈ ગઈ હતી.
અશોક જીરાવાળા (ફેડરેશન ઓફ ગુજરાત વીવર્સ વેલફે૨ એસોસિએશન, પ્રમુખ) એ જણાવ્યું હતું કે રિંગ રોડ પર આવેલી જુદા જુદા માર્કેટોમાં ચીટરો દ્વારા દુકાનો હંગામી ધોરણે ભાડે રાખી આવટરો દ્વારા વિવર્સો પાસેથી લાખો રૂપિયાનું કાપડ ઉધારમાં લેવાય છે. ત્યારબાદ પેમેન્ટ નહીં ચૂકવી લાખ્ખો રૂપિયાનું ચીટીંગ કરવામાં આવતા વિવર્સોએ રાતા પાણીએ ન્હાવાનો વારો આવે છે. આવા ચીટરો સાથે કેટલાક બ્રોકરો સામેલ હોય છે. આવા ચીટરોની યાદી શહેર પોલીસ કમિશનરને સુપરત કરવામાં આવી છે.
વધુમાં જણાવ્યું હતું કે, પોલીસ કમીશનર અજય કુમાર તોમરે આવા ચીટરો સામે પુરાવાઓ રજૂ કરવામાં આવશે તો ચોક્કસ ગુનો દાખલ કરવામાં આવશે એવી ખાત્રી આપવામાં આવી છે. આગામી દિવસોમાં ફેડરેશન દ્વારા તમામ પુરાવાઓ સામે ફરિયાદ કરી જેતે વિવર્સ ઝડપી ન્યાય મળે એવી આશા રાખે છે.