કંપની કાયદા હેઠળ દાખલ કરાયેલા ફોજદારી કેસ પાછા ખેંચાતા અદાલતો પરનું ભારણ પણ ઘટશેઃ પણ સરકારની આવી ઉદારતાનો યોગ્ય પ્રતિસાદ મળશે?
આર્થિક અપરાધના 14,000 કેસમાં કેન્દ્ર સરકારે મોટી રાહત આપી છે. વેપારી મંડળો તથા કંપનીઓએ કરેલી રજૂઆતોને પગલે સરકારે સમીક્ષા કરીને ઉદારતા તો દાખવી છે, પરંતુ સૌથી મોટો પ્રશ્ન એ ઉપસ્થિત થાય છે કે નરેન્દ્ર મોદી સરકારની આ ઉદારતાનો વેપારી મંડળો અને કંપનીઓ યોગ્ય પ્રતિસાદ આપશે?

પ્રતિવર્ષ અનેક કંપનીઓ સામે વિવિધ જોગવાઈઓ હેઠળ કેસ દાખલ થતા રહે છે. અનેક બદમાશ કંપનીઓ મોટેભાગે ટેકનિકલ કારણસર હિસાબોમાં કે વેપારમાં ભૂલ થઈ હોવાની દલીલો કરીને કાંતો કેસમાંથી છટકી જાય છે અથવા નજીવો દંડ ભરીને આબાદ નીકળી જાય છે. આમાં કંપનીના અધિકારીઓથી માંડીને સરકારી અધિકારીઓ સહિતની એક આખી ટોળકીની મેળાપીપળીને કારણે અપ્રામાણિકતાના વ્યવહારો ચાલ્યા કરે છે. સરકાર આવક ગુમાવે છે અને પ્રજા વિશ્વાસ ગુમાવે છે.
જોકે, છેલ્લા થોડાં વર્ષથી આ સ્થિતિમાં સુધારો આવ્યો છે અથવા સુધારો આવ્યો હોવાનું લાગતું રહે છે અને તેથી જ આંતરરાષ્ટ્રીય સ્તરે ઇઝ ઑફ ડુઇંગ બિઝનેસમાં ભારતની સ્થિતિ સુધરી છે. કદાચ આ છબીમાં સતત સુધારો થતો રહે એવી લાલસાએ સરકારે ગત અઠવાડિયાને અંતે 14,000 કંપનીઓ સામેના ફોજદારી કેસ પાછા ખેંચી લીધા. નરેન્દ્ર મોદી સરકારના આ પગલાથી કંપનીઓને તો રાહત થશે જ. સાથે કોર્ટની કાર્યવાહી અને કોર્ટ ઉપર કેસોના ભારણમાં પણ મોટી રાહત થશે.
જોકે, એક શક્યતા એવી પણ ખરી કે સાર્વત્રિક મંદીને કારણે સર્જાયેલા નૅગેટિવ વાતાવરણને થોડું હળવું કરવા જે જુદા જુદા પગલાં લેવામાં આવી રહ્યા છે તેનો જ આ એક ભાગ હોય. ઉપર કહ્યું તેમ, ફોજદારી કેસો પાછા ખેંચવાની પ્રક્રિયાને કારણે ફોજદારી અદાલતો ઉપર કામનું ભારણ ઘણું ઘટી જશે. આ આખી પ્રક્રિયામાં ટેકનિકલ કારણોસર જે ફોજદારી કેસો થયા તેમાં પણ મોદી સરકારે સુધારો કર્યો છે અને 16 પ્રકારના અપરાધને હવે આર્થિક દંડની કક્ષામાં લાવી દીધા છે. તેનું પરિણામ એ આવશે કે કંપનીઓ ભૂલથી કે જાણીજોઇને બદમાશી કરશે તો હવે તેમણે પોલીસ કાર્યવાહીનો ડર નહીં રાખવો પડે, પરંતુ દંડ ભરીને છૂટી જઈ શકશે. બસ માત્ર આશા એટલી રાખી શકાય કે, સરકાર જો ઉદારતાપૂર્વક કંપનીઓની ઇરાદાપૂર્વકની અથવા અજાણતા થયેલી ભૂલીનો આ રીતે માફ કરી દેતી હોય ત્યારે કંપનીઓએ પણ કમ સે કમ દેશહિત ખાતર પ્રામાણિકતાપૂર્વક તેનો પ્રતિભાવ આપીને દેશના નાગરિકો તેમજ આંતરરાષ્ટ્રીય સમુદાયનો વિશ્વાસ જીતવો જોઇએ.
જાણીતા પત્રકાર અને રાજકીય વિશ્લેષ્ક અલકેશ પટેલની કલમે

NewsAayog ફેસબુક, ટ્વિટર, ઇન્સ્ટાગ્રામ અને યુ ટ્યુબ પર પણ લાઇક અને ફોલો કરી શકો છો. લેટેસ્ટ ન્યૂઝ અપડેટ્સ તમારા ફોન પર સૌથી પહેલા મેળવવા માટે +919104135991 અમને તમારું નામ અને શહેરનું નામ મેસેજ કરો.