IPLની જેમ 9 ટીમોના 180 ખેલાડીઓની બોલી લગાવીને ટીમો ઉભી કરી, 24 મીથી ટુર્નામેન્ટ, 1 મેએ ફાઇનલ રમાશે
નવયુવાનોને પ્રોત્સાહન આપવા અને તેમનામાં એકતા અને સંગઠનની ભાવના વધુ પ્રબળ થાય તે હેતુસર સુરતી મોઢ વણિક અઠવા પંચ યુવક મંડળ દ્વારા સુરતી મોઢ વણિક સમાજના યુવાનો માટે આઇપીએલની જેમ અઠવા પ્રીમીયર લીગ (APL) ક્રિકેટ ટુર્નામેન્ટનું આયોજન કરવામાં આવ્યું છે. જેના માટે APLમાં રમનાર 9 ટીમોના ખેલાડીઓ નક્કી કરવા માટે IPLની જેમ ઓક્શન યોજવામાં આવ્યું હતું જેનું ઉદ્ઘાટન સમાજના અગ્રણી અને સુરત પીપલ્સ બેંકના ચેરમેન મુકેશ દલાલે કર્યું હતું.
અઠવા પ્રિમીયર લીગ અંગે વધુ માહિતી આપતા અઠવા પંચના પ્રમુખ ચેતન કાપડીયા, વિમલ બેકાવાલા તથા અન્યોએ જણાવ્યુ હતું. કે સમાજના ઉત્સાહિત યુવાનો માટે બીજી વખત અઠવા પ્રીમીયર લીગ ક્રિકેટ ટુર્નામેન્ટનું આયોજન કરવામાં આવ્યું છે. સમાજના જ આગેવાનોએ 9 ટીમો ઉભી કરી છે અને તેમાં ખેલાડીઓને સમાવવા માટે કુલ 180 ખેલાડીઓનું ઓકશન યોજવામાં આવ્યું હતું. દરેક ટીમોને 12 લાખ પોઈન્ટસ આપવામાં આવ્યા હતા જે પોઇન્ટસથી બોલી લગાડીને તેઓ સમાજના કોઇપણ ખેલાડીને પોતાની ટીમમાં સમાવી શકયા છે.

આ અંગે વધુ વાત કરતાં સંજય અનાજવાળા, યુવત મંડળ પ્રમુખ અને વિમલભાઈએ જણાવ્યું કે, અઠવા પ્રીમીયર લીગના આ યોજાયેલી ખેલાડીઓની હરાજીને સોશ્યલ મિડીયામાં ઓનલાઇન લાઇવ કરવામાં આવી હતી. જેને સમાજના હજારો લોકોએ પોતાના મોબાઇલ લેપટોપ પર નિહાળીને એક નવીનતમ અનુભવ કર્યો હતો.
એપીએલ આભવા ગામના ક્રિકેટ ગ્રાઉન્ડ પર યોજાશે. તા. 24મી એપ્રિલ અને તા. 1 લી મે એમ બે દિવસો દરમિયાન આ ટુર્નામેન્ટ રમશે અને દરેક ટીમ બે મેચ રમશે એ પછી સેમિફાઇનલ અને ફાઇનલ રમાશે.