શાહરુખના દીકરા આર્યન સહિત 8 આરોપી સાત ઓક્ટોબર સુધી NCB (નાર્કોટિક્સ કંટ્રોલ બ્યુરો)ની કસ્ટડીમાં છે. આ કેસમાં એજન્સીએ એક પેડલર તથા શ્રેયસ નાયર નામની વ્યક્તિની ધરપકડ કરી છે. આ બંને પર રેવ પાર્ટીમાં ડ્રગ્સ આપ્યું હોવાનો આરોપ છે. શ્રેયસ તથા અરબાઝ મર્ચન્ટ ખાસ મિત્રો હોવાની ચર્ચા છે. તેમની પાસેથી ભારે માત્રામાં ડ્રગ્સ મળી આવ્યું છે. આજે આર્યન, અરબાઝ, મુનમુન સહિત 8 આરોપીની ડ્રગ-પેડલર સામે બેસાડીને પૂછપરછ કરવામાં આવશે. એજન્સી અન્ય જગ્યાએ દરોડા પાડે એવી શક્યતા છે.
મીડિયાના અહેવાલ પ્રમાણે, NCBની પૂછપરછમાં આર્યન ખાને કહ્યું હતું કે તેના અબ્બુ હાલમાં ત્રણ-ત્રણ ફિલ્મના શૂટિંગમાં વ્યસ્ત છે. તે અપકમિંગ ફિલ્મ ‘પઠાન’માં ઘણી જ મહેનત કરી રહ્યા છે. આ ફિલ્મના મેકઅપ માટે કલાકો સુધી બેસવું પડે છે. તેના અબ્બુ એટલા વ્યસ્ત રહે છે કે અનેકવાર તે તેમને મળવા માટે મેનેજર પૂજા પાસેથી અપોઇન્ટમેન્ટ લે છે અને પછી જ તે મળી શકે છે.

NCBએ ક્રૂઝના 8 સ્ટાફની પણ ધરપકડ કરી છે અને તેમની પર જાણીજોઈને ડ્રગ્સ છુપાવ્યું હોવાનો આરોપ છે. માનવામાં આવે છે કે આજે (5 ઓક્ટોબર) વધુ લોકોની ધરપકડ કરવામાં આવશે.
આ કેસમાં પકડાયેલા ડ્રગ-પેડલરની પૂછપરછ પરથી ખ્યાલ આવે છે કે ડ્રગ્સ સપ્લાયનો ઓર્ડર ડાર્ક નેટ પર મળ્યો હતો અને આરોપીઓએ બિટકોઇનમાં ચુકવણી કરી હતી. ડાર્ક નેટ ઇન્ટરનેટની એ દુનિયા છે, જ્યાં તમે હથિયારથી લઈ ડ્રગ્સ સહિતની વસ્તુઓ સરળતાથી ઓનલાઇન ઓર્ડર કરી શકો છે, જેમાં ઓર્ડર તથા ટ્રેક કરવું મુશ્કેલ છે. આ જ કારણ છે કે આર્યનને પકડ્યાના 3 દિવસ બાદ આ પેડલર એજન્સીને મળ્યો.