ગુજરાત વિધાનસભાના બે દિવસનું સત્ર ભારે તોફાન પૂર્ણ રહ્યું છે. એક તરફ કોંગ્રેસ દ્વારા ભાજપ પર ભારે પ્રહારો કરવામાં આવ્યા ત્યારે બીજી તરફ ભાજપ દ્વારા ગૃહમાં કેગનો રિપોર્ટ રજુ કરવામાં આવ્યો જેના પછી ભારે સવાલો ઊભા થઈ રહ્યા છે. આજે પ્રશ્નોત્તરી કાળમાં ગુજરાત પર દેવાના વિપક્ષના સવાલમાં સરકારે આંકડા રજૂ કર્યા છે. ગુજરાતનું જાહેર દેવું 3 લાખ કરોડને પાર થયુ છે. વર્ષ 2020-21માં દેવામાં 33, 864 કરોડનો વધારો થયો છે. જ્યારે વર્ષ 2019-20માં દેવામાં 26, 791 કરોડનો વધારો થયો છે.
બે વર્ષમાં દેવું કેટલું વધશે ?
કોંગ્રસ ધારાસભ્ય નિરંજન પટેલે પૂછેલા સવાલનો સરકારે જવાબ આપ્યો છે. બીજી બાજુ ગૃહમાં રૂપાણી સરકારની કામગીરી, નિર્ણયોની ટીકા કરતો કેગનો અહેવાલ રજૂ કરાયો, કેગના અહેવાલની બુકને બદલે સીડી આપવામાં આવી છે. રાજય સરકારનું નાણાકીય વર્ષ 2020-21ની સ્થિતિમાં 3,00,959 કરોડ દેવું હોવાનો રાજ્ય સરકારે સ્વીકાર કર્યો છે. વર્ષ 2019-20માં 26,791 કરોડ અને વર્ષ 2020-21 મા 33,864 કરોડ દેવામાં વધારો થયો છે. બે વર્ષ બાદ 2023-24ના અંતે એ રૂ. 4,10,989 કરોડ વટોળી જવાનો અંદાજ છે. વર્ષ 2021-22ના અને વર્ષ 2022-23ના આખરે આ જાહેર દેવું અનુક્રમે રૂ. 3,27,124 કરોડ તથા રૂ. 3,71,989 કરોડ રહેવાની ધારણા રખાઈ છે. રાજ્યના જાહેર દેવામાં માત્ર બે વર્ષના ટૂંક ગાળામાં જ 60 હજાર કરોડથી વધુ રકમનો ધરખમ વધારો થયો છે, વર્ષ 2018-19ના અંતે જાહેર દેવું રૂ. 2,40,305 કરોડ હતું.
ગુજરાતમાં ક્યાં વિભાગમાં સૌથી વધુ નુકસાન ?
જ્યારે રાજ્ય સરકારના વિવિધ વિભાગોમાં 31મી માર્ચ 2020ના રોજ પૂરા થતાં વર્ષમાં ગેરરીતિ/સરકારી માલસામાનને 1584.97 લાખની નુકસાની થયાનું કમ્પ્ટ્રોલર એન્ડ ઓડિટર જનરલના અહેવાલમાં બહાર આવ્યું છે. ગુજરાત સરકારના શિક્ષણ વિભાગમાં સૌથી વધુ 478.98 લાખની નુકસાની થઇ છે. આ અંગે નીચે પ્રમાણે દર્શાવેલ છે. જેમાં શિક્ષણ વિભાગમાં રૂ. 478.98 લાખનું નુકાસાન થયું હોવાનું સામે આવ્યું છે.

કોંરોનાના ખોટા આંકડા
કોંગ્રેસ નેતાઓનો આરોપ છે કે, રાજ્ય સરકાર કોરોનાથી મૃત્યુના આંકડા છૂપાવીને પ્રજાને ગેરમાર્ગે દોરી રહી છે. રાજ્યની 106 નગર પાલિકામાં જાન્યુઆરી 2019 થી ફેબ્રુઆરી 2020 સુધી 87,773 લોકોના મોત થયા છે. જ્યારે માર્ચ 2020 થી 10મી મે 2021 સુધી 1,25,406 લોકો મોતને ભેટ્યા છે. “બાળ સખા યોજના” અંતર્ગત કોરોનાના કારણે નિરાધાર બનેલા બાળકોના 16 હજારથી વધુ ફોર્મ આવ્યા છે. આ હિસાબે જોઈએ તો, ગુજરાતમાં કોરોનાથી 3,34,664 કરતાં વધુ લોકોના મોત પાછળ કોરોના હોવાનું કારણ જાણવા મળે છે. સરકારે આવા લોકોને યોગ્ય વળતર ચૂકવવૂ જોઈએ.
કોંગ્રેસ નેતાઓએ વધુમાં જણાવ્યું કે, ગુજરાતના કેટલાય લોકો દિન-દહાડે ખાનગી હોસ્પિટલમાં સારવારના નામે લૂંટાયા છે. કોરોનાના કારણે કદાચ ઓછા લોકો મર્યા હશે, પરંતુ ભાજપ સરકારની બેદરકારીના કારણે રાજ્યમાં 3 લાખથી વધુ લોકો મોતને ભેટ્યા છે.