સરકારના આદેશ પછી વોટ્સએપ દ્વારા એક મહિનામાં દેશભરમાં 20 લાખ ગ્રૂપ અને અકાઉન્ટ બંધ કરાયા છે. સરકાર ટ્વિટર, ફેસબુક, ટેલિગ્રામ, સિગ્નલ જેવા એપ પર પણ નજર રાખી રહી છે. ગૃહમંત્રાલયની એડવાઈઝરીમાં જણાવાયું છે કે દેશમાં ક્યાંય પણ કોઈ ઘટના થવી જોઈએ નહીં. અયોધ્યા વિવાદ અંગે સુપ્રીમકોર્ટના ચુકાદા પહેલા તમામ પક્ષકારો દ્વારા કરાયેલી શાંતિ અને સૌહાર્દની તમામ અપીલ વચ્ચે કેન્દ્ર સરકારે તમામ રાજ્યોને એલર્ટ રહેવા કહ્યું છે. સાથે જ સોશિયલ મીડિયા પર નફરત ફેલાવનારા સામે ઝીરો ટોલરન્સની નીતિ અપનાવી છે.
આ માટે સંવેદનશીલ વિસ્તારમાં પૂરતી માત્રામાં સુરક્ષાદળ તહેનાત કરવા તથા તમામ પ્રકારની ગતિવિધી પર નજર રાખવા જણાવાયું છે. દાયકાઓ જૂના વિવાદના ચુકાદા પહેલા લાખોની સંખ્યામાં શ્રદ્ધાળુઓ અયોધ્યા પહોંચવાના હોવાથી કેન્દ્ર સરકારે ઉત્તર પ્રદેશ સરકારને વિશેષ ધ્યાન રાખવા કહ્યું છે. ત્યાં અર્ધલશ્કરીદળના 4 હજાર જવાન મોકલાયા છે. આ ઉપરાંત અયોધ્યામાં સુરક્ષા માટે 40 કંપની મોકલાઈ છે. એક કંપનીમાં 1000 જવાન હોય છે.

ચીફ જસ્ટિસ રંજન ગોગોઈને વડપણ હેઠળની 5 જજની બંધારણીય બેન્ચ 2.77 એકરની વિવાદી જમીન અંગે ચુકાદો આપવાની તૈયારીમાં છે. જસ્ટિસ ગોગોઈ નિવૃત્ત થાય તે પહેલા 15 નવેમ્બર સુધીમાં ચુકાદો આવવાની સંભાવના છે. આ ચુકાદા પર સમગ્ર દેશની નજર છે. બંને પક્ષ સુપ્રીમના ચુકાદાનું સન્માન કરવાનું અત્યારે તો કહી રહ્યાં છે. હિન્દુ અને મુસ્લિમ સમુદાયના ધર્મગુરુ તથા અન્ય પગલે લોકો પણ સતત શાંતિ અને સૌહાર્દની અપીલ કરી રહ્યા છે.
સુપ્રીમકોર્ટના ચુકાદા પહેલા વીએચપીએ કારસેવકપુરમમાં પથ્થર ટાંકવાનું કામ બંધ કરી દીધું છે. 1990 પછી 29 વર્ષમાં પ્રથમવાર આ કામ બંધ થયું છે. વીએચપીના પ્રવક્તા શરદ શર્માએ કહ્યું કે તમામ કારીગરો તેમના ઘરે જતાં રહ્યાં છે. વીએચપીએ તેના તમામ આગામી કાર્યક્રમ પણ રદ કરી દીધા છે.
આંબેડકરનગર જિલ્લાની વિવિધ કોલેજોમાં ઉત્તર પ્રદેશ સરકારે 8 હંગામી જેલ બનાવવાનું નક્કી કર્યું છે. વહીવટી તંત્રએ કોલેજોના વડાને પત્ર લખી શૈક્ષણિક મકાનો અને અન્ય સુવિધાનો કબજો પોલીસને સોંપવા જણાવ્યું છે.
