રાજ્યમાં હાલ બે ઋતુનો અનુભવ થઈ રહ્યો છે. જ્યાં એક તરફ દિવસ દરમિયાન ગરમીનો પારો 38 થી 40 ડિગ્રી સુધી પહોંચી રહ્યો છે. ત્યારે વહેલી સવારે અને મોડી રાત્રે ઠંડીનો આંશિક અનુભવ થઈ રહ્યો છે. આ વચ્ચે હવે કેરી સહિતના પાકને નુકસાન પહોંચાડે તેવા કમોસમી વરસાદની આગાહી સામે આવી રહી છે. તેમજ હવમાન નિષ્ણાંત અંબાલાલ પટેલે પણ તેના દ્વારા સમર્થન આપવામાં આવ્યું છે.
હાલમાં બે ઋતુના અનુભવ વચ્ચે હવામાન વિભાગના જણાવ્યા અનુસાર દક્ષિણ ગુજરાતના ડાંગ, તાપી અને નર્મદા સહિતના જિલ્લાઓમાં આગામી 7 માર્ચે હળવા વરસાદની સંભાવના છે. જેને લઈને રાજ્યના અન્ય ભાગોમાં ઠંડો પવન ફૂકાઈ શકે છે. હવામાન વિભાગની કમોસમી વરસાદની આગાહીના પગલે પાકને નુક્સાનની ભીતિ સેવાઈ રહી છે. ફરીથી એક વખત કમોસમી વરસાદની આગાહીના કારણે ખેડૂતોની ચિંતા વધી જવા પામી છે.

આ ઉપરાંત હવામાન વિભાગના નિષ્ણાંત અંબાલાલ પટેલના અનુસાર, પશ્ચિમી વિક્ષેપોને કારણે કમોસમી વરસાદની સંભાવના ગુજરાત પર મંડારાઈ રહી છે. જેમાં ખાસ કરીને ઉત્તર, દક્ષિણ ગુજરાતમાં લો પ્રેશરને કારણે વરસાદી ઝાપટા પડવાની વકી છે. અમદાવાદ ગાંધીનગરમાં વાદળછાયુ વાતાવરણ રહેશે તેવો વરતારો પણ અંબાલાલે આપ્યો છે. મધ્ય ગુજરાતમાં છૂટો છવાયો ક્યાંય ક્યાંય વરસાદ પણ પડી શકે છે. 5 થી 10 માર્ચ સુધી રાજ્યમાં વાદળછાયું વાતાવરણ રહેશે જેમાં હળવો વરસાદ થવાની શક્યતા છે.
જ્યારે રાજ્યના કેટલાક જિલ્લાઓનું વાતાવરણ શુષ્ક રહેવાની સંભાવનાઓ રહેલી છે. જેને લઈને રાજ્યના અનેક વિસ્તારોમાં મહત્તમ તાપામાન અને લઘુત્તમ તાપમાનનું પ્રમાણ યથાવત રહેવાનું અનુમાન રાજ્યના હવામાન વિભાગ દ્વારા કરવામાં આવ્યું છે.