આહવા ખાતે ડાંગનો પોતિકા ઉત્સવ એવો ઐતિહાસિક ‘ડાંગ દરબાર’ નો ભાતિગળ લોકમેળાનું પ્રતિવર્ષ હોળી-ધૂળેટીના અગાઉના દિવસો દરમિયાન આયોજન થતું હોય છે. પરંતુ કોરોની સ્થિતિને કારણે માૈકુફ રખાયેલા ‘ડાંગ દરબાર’ નો ભાતિગળ લોકમેળો આ વર્ષે પૂર્ણ ગરિમા સાથે યોજાશે. જેને પગલે જિલ્લા વહીવટી તંત્રએ અત્યારથી જોરશોરથી તૈયારી આરંભી દીધી છે. ડાંગ જિલ્લા સેવા સદન ખાતે યોજાયેલી બેઠકમાં કલેક્ટર ભાવિન પંડયાએ ડાંગની ભાતિગળ પરંપરા અનુસાર રાજવીઓને અપાતા સાલિયાણા સહિત શોભાયાત્રાના ગરિમાપૂર્ણ કાર્યક્રમની વ્યવસ્થા અંગે સંબંધિત સમિતિઓના અધિકારીઓને સૂક્ષ્મ માર્ગદર્શન આપ્યું હતુ.

ડાંગ દરબારનો ભાતિગળ લોકમેળો આગામી તા.૧૨મી માર્ચે પરંપરા મુજબ યોજાશે. આ કાર્યક્રમ રાજયપાલના હસ્તે થનારા ઉદ્દઘાટન સમારોહ બાબતે વિસ્તૃત ચર્ચા કરતા કલેક્ટરે જિલ્લાની ઐતિહાસિક વિરાસતને છાજે તે રીતે આયોજન ઘડી કાઢવાની સમિતિ સભ્યોને અપીલ કરી હતી. ડાંગની ભાતિગળ પરંપરા અનુસાર રાજવીઓને અર્પણ કરાતા સાલિયાણા ઉપરાંત ભાઉબંધો અને નાયકોને અપાનારા પોલિટિકલ પેન્શન, મેળામા આવતા વેપારીઓની દુકાનો અને મનોરંજન પાર્ક માટેની જગ્યા નિયત કરવા સાથે પાર્કિંગ અને ટ્રાફિક વ્યવસ્થા પણ કરવામાં આવશે.
શોભાયાત્રાનો રૃટ તથા સાંસ્કૃતિક કાર્યક્રમો, આરોગ્ય સંબધિત બાબતો, મંડપ-સ્ટેજ અને બેઠક વ્યવસ્થા, સ્વચ્છતાને લગતા પગલાઓ ઉપરાંત કાયદો-વ્યવસ્થાની પરિસ્થિતી જાળવવા સાથે મેળામાં ઉમટતી જનમેદની સલામત રીતે મેળાની મોજ માણી શકે, અને ડાંની ભાતિગળ સંસ્કૃતિને વૈશ્વિક સ્તરે ઉજાગર કરી શકાય તે બાબતે જવાબદારીઓ સોંપી હતી. પ્રાકૃતિક ડાંગની ગરિમાને અનુરૃપ જુદા-જુદા સરકારી વિભાગો તેમની યોજનાઓને પ્રદર્શનના માધ્યમથી પ્રજાજનો સમક્ષ રજૂ કરી શકે તે માટે વિશાળ પ્રદર્શનીનું પણ આયોજન કરવામાં આવ્યું છે.