મુંબઈ ક્રૂઝ ડ્રગ્સ પાર્ટી કેસમાં આરોપી બોલિવૂડ અભિનેતા શાહરૂખ ખાનના પુત્ર આર્યન ખાન કેસમાં હવે બિહાર અને નેપાળનુ કનેક્શન સામે આવ્યુ છે. મુંબઈ એનસીબીએ આ ડ્રગ્સ કેસમાં અભિનેતા શાહરૂખ ખાનના પુત્ર આર્યન સાથે પાર્ટીમાં સામેલ કુલ આઠ લોકોની ધરપકડ કરી હતી. તેમાંથી એક મોતીહારી સેન્ટ્રલ જેલમાં બંધ ડ્રગ સ્મગલર વિજય વંશી પ્રસાદનો સંબંધી હોવાનુ સામે આવ્યુ છે. વિજય જાણીતો તસ્કરી છે અને મલાડ પૂર્વના કુરાર ગામનો રહેવાસી છે. અન્ય તસ્કર અને વિજયનો સાથી મોહમ્મદ ઉસ્માન શેખ મોતીહારી સેન્ટ્રલ જેલમાં બંધ છે. આ બંનેના નેટવર્કમાંથી જ આર્યન સુધી ડ્રગ્સ પહોંચ્યુ હોવાના પુરાવા મળી રહ્યા છે.
મુંબઈના મલાડ પૂર્વના શિવશિક્ત મંડળ આંબેડકર સાગરનો રહેવાસી ઉસ્માન શેખ હાલ મોતીહારી સેન્ટ્રલ જેલમાં બંધ છે. મળતી માહિતી અનુસાર, બંને ડ્રગ્સ સ્મગલરોની મુંબઈ NCB ટીમ (Narcotics Control Bureau) દ્વારા પૂછપરછ કરવામાં આવશે અને તે માટે સાત દિવસના ટ્રાન્ઝિટ રિમાન્ડની પણ મંજુરી લેવામાં આવશે. એનસીબીએ તેમના રિમાન્ડ માટે કાગળની કાર્યવાહી પૂર્ણ કરી છે.હાલ NCBની ટીમ અને કાંદિવલી પશ્ચિમ પોલીસ સ્ટેશન મોતીહારી પહોંચ્યા છે. તમને જણાવી દઈએ કે, વિજય અને ઉસ્માન વિરુદ્ધ મોતીહારીના ચકિયા પોલીસ સ્ટેશનમાં કેસ નોંધવામાં આવ્યો છે. જેની પોલીસ સ્ટેશનના ઇન્સ્પેક્ટર સંદીપ કુમારે પુષ્ટિ કરી હતી.

ક્રૂઝ પર ડ્રગ્સ પાર્ટી દરમિયાન આર્યન સાથે પકડાયેલા આઠ આરોપીમાં મોતીહારી સેન્ટ્રલ જેલમાં બંધ ડ્રગ્સ સ્મગલર વિજય વંશી પ્રસાદના એક સંબંધીનો પણ સમાવેશ થાય છે. પૂછપરછ દરમિયાન સામે આવ્યું છે કે, પકડાયેલ વ્યક્તિ ડ્રગ્સ પેડલર છે અને તે વિજય વંશી પ્રસાદના નેટવર્ક સાથે જોડાયેલો છે. આ માહિતી મળ્યા બાદ જ NCB એ તરત જ ન્યાયિક પ્રક્રિયા પૂર્ણ કરી અને રિમાન્ડ બાદ ઉસ્માન અને વિજયને મુંબઈ લઈ જવાની તૈયારી કરી હતી. અગાઉ NCB મુંબઈએ જેલમાં બંધ નેપાળ અને મહારાષ્ટ્રના ડ્રગ્સ સ્મગલર્સના (Drug smugglers) સંબંધમાં મુઝફ્ફરપુરના પોલીસ સ્ટેશન અને મોતીહારીના ચકિયા પોલીસ સ્ટેશન પાસેથી માહિતી પણ માંગાવી હતી. આ સિવાય કેસની સ્થિતિ અને FIR ની પ્રમાણિત નકલ માંગવામાં આવી હતી.
એનસીબીના સૂત્રોના જણાવ્યા અનુસાર, શાહરૂખ ખાનના પુત્ર આર્યન સાથે ક્રુઝ પર પકડાયેલા આરોપીની પુછપરછમાં અત્યારસુધી ઘણા ખુલાસા થયા છે. નેપાળ અને ઉત્તર બિહારના મુઝફ્ફરપુરના ઘણા તસ્કર સાથે ડ્રગ સપ્લાયર્સનું નેટવર્ક સામે આવ્યુ છે. પોલીસ પાસેથી મુઝફ્ફરપુર સેન્ટ્રલ જેલમાં બંધ નેપાળના ત્રણ તસ્કરો અને મુઝફ્ફરપુરની કટરા પહસૌલમાંથી આ આરોપીઓની માહિતી પણ લેવામાં આવી છે. મહારાષ્ટ્રના મલાડ પશ્ચિમનો રહેવાસી દીપક યાદવ ઉર્ફે ટારઝન આ સિન્ડિકેટનો કિંગપિન છે. ઉલ્લેખનીય છે કે, આ તસ્કરો નેપાળથી મહારાષ્ટ્રમાં ડ્રગ્સનો સપ્લાય કરતા હતા.