અચ્છે દિન લાવવા માટે જનતાએ બીજેપીની સરકારને ખોબલા ભરીને વોટ આપ્યા હતા. જોકે, જનતાને પ્રતિદિવસ મોંઘવારીના ઝાટકા ઉપર ઝાટકા લાગી રહ્યાં છે. પેટ્રોલ-ડીઝલના આકાશને આંબતી કિંમતોથી કંટાળેલી પ્રજાને વધુ એક ઝાટકો લાગ્યો છે. સરકારે એલપીજી ગેસ સિલિન્ડરના ભાવમાં ફરી એકવાર વધારો કરી દીધો છે.
ઓઇલ કંપનીઓએ સબ્સિડી વગરના 14.2 કિલોગ્રામ સિલિન્ડરના ભાવમાં 15 રૂપિયાનો વધારો કર્યો છે. આ વધારા બાદ હવે દેશની રાજધાની દિલ્હીમાં રાંધણ ગેસ સિલિન્ડરનો ભાવ 884.50 રૂપિયાથી વધીને 899.50 રૂપિયા પ્રતિ સિલિન્ડર થઈ ગયો છે. ગુજરાતમાં રાંધણ ગેસની કિંમત 900 રૂપિયાની આસપાસ છે. ઉલ્લેખનિય છે કે, સરકારે પાછલા કેટલાક સમયથી સબ્સિડી બંધ કરી દેવામાં આવી છે.
ગુજરાતીઓને એક એલપીજી સિલેન્ડર પાછળ 915 રૂપિયા ખર્ચવા પડશે અને હોમ ડિલિવરી લેવા પર વધારાનો 30થી 50 રૂપિયાનો ચાર્જ ચૂકવવો પડશે. તેથી એક સિલેન્ડર 950થી 1000 રૂપિયા સુધીમાં પડી શકે છે. ઉલ્લેખનિય છે કે, મહિનાના પહેલા દિવસે સરકારે 19 કિલોગ્રામના કોમર્શિયલ સિલિન્ડરના ભાવમાં 43 રૂપિયાનો વધારો કર્યો હતા. ત્યારબાદ પહેલી ઓક્ટબરથી દિલ્હીમાં 19 કિલોગ્રામવાળા કોમર્શિયલ LPG સિલિન્ડરની કિંમત 1693 રૂપિયાથી વધીને 1736.50 રૂપિયા થઈ ગઈ હતી.