મધ્ય પ્રદેશના પૂર્વ મુખ્ય પ્રધાન અને ભાજપના નેતા એકસમયના ફાયરબ્રાન્ડ નેતા ઉમા ભારતીનો કોરોના વાયરસનો રિપોર્ટ પૉઝિટિવ આવ્યો છે. ઉમા ભારતીએ પોતે કોરોના સંક્રમિત હોવાની જાણકારી જાતે ટ્વિટ કરીને આપી છે. કોરોના હોવાની પૃષ્ટિ થતાં જ ઉમા ભારતીએ ઋષિકેશ અને હરિદ્વારની વચ્ચે આવેલા વંદે માતરમ કુંજમાં પોતાને ક્વૉરન્ટીન કર્યા છે. ઉમા ભારતી છેલ્લા કેટલાક દિવસોથી પહાડોના ધામોની યાત્રા કરી રહ્યાં છે. તેઓએ હાલમાં કેદારનાથના દર્શન કરતો એક વીડિયો પણ શૅર કર્યો હતો.

ઉમા ભારતીએ ટ્વીટ કર્યું હતું કે, ‘હું આપને જાણ કરી રહી છું કે હું આજે મારી પહાડની યાત્રાને સમાપ્તિના અંતિમ દિવસે પ્રશાસનને આગ્રહ કરીને કોરોના ટેસ્ટ માટે બોલાવ્યા કારણ કે મને ત્રણ દિવસથી સહેજ તાવ હતો. મેં હિમાલયમાં કોવિડની તમામ ગાઈડલાઈન્સ અને સોશ્યલ ડિસ્ટન્સિંગનું પાલન કર્યું. તેમ છતાંય મને કોરોના પૉઝિટિવ થયો છે.’
તેમણે જણાવ્યું હતું કે, ‘હું હાલ હરિદ્વાર તથા ઋષિકેશની વચ્ચે વંદે માતરમ કુંજમાં ક્વૉરન્ટીન છું, આ સ્થાનક મારા માટે મારા પરિવાર જેવું છે. ચાર દિવસ બાદ ફરીથી ટેસ્ટ કરાવીશ અને સ્થિતિ આવી જ રહી તો ડૉક્ટરોની સલાહ મુજબ નિર્ણય લઈશ. મારા સંપર્કમાં આવેલા લોકોને અપીલ છે કે તેઓ પોતાના કોરોના ટેસ્ટ કરાવે અને તકેદારી રાખે.’
આ પણ વાંચો : વૈજ્ઞાનિકોએ લાંબા અભ્યાસ બાદ રજુ કર્યું તારણ
ઉલ્લેખનીય છે કે, આ પહેલા 23 સપ્ટેમ્બરે ઉમા ભારતીએ ટ્વિટ કર્યું હતું કે કેદારનાથમાં તેમની સાથે રહેલા ઉત્તરાખંડના શિક્ષણ પ્રધાન કોરોના પૉઝિટિવ હોવાનું સામે આવ્યું છે. ધનસિહ રાવતજી શ્રી કેદારનાથજીમાં ઉમા ભારતીની સાથે હતા.
