ગાંધીનગર: કોરોના કાળમાં બે વર્ષ સુધી શિક્ષણ પર પડેલી અસરોના પગલે કેટલાક મુદ્દાઓને લઈને સંચાલકોમાં મુંઝવણ ઉભી થઈ છે. જેથી સંચાલક મંડળ દ્વારા રાજ્યના શિક્ષણ બોર્ડના સચિવને પત્ર લખી કેટલાક મુદ્દે સ્પષ્ટતા કરવા માગણી કરી છે. કોરોના કાળના સમગ્ર વર્ષમાં વિદ્યાર્થીએ હાજરી આપી ન હોય અને પરીક્ષા આપી ન હોય તેવા વિદ્યાર્થીઓ સામે શું પગલા લેવા તે અંગે સ્પષ્ટતા કરવા જણાવ્યું છે. તેમ જ ધોરણ-1થી 8માં સંપુર્ણ પણે ગેરહાજર હોય તેવા વિદ્યાર્થીઓને RTEના નિયમ મુજબ ઉપલા વર્ગમાં મોકલી શકાય કે કેમ ? વગેરે મુદ્દાઓને લઈને સ્પષ્ટતા કરવા માટે જણાવાયું છે.
ગુજરાત રાજ્ય શાળા સંચાલક મહામંડળના પ્રમુખ ભાસ્કર પટેલે શિક્ષણ બોર્ડના સચિવને ઉદ્દેશીને લખેલા પત્રમાં જણાવ્યુ છે કે, 20 માર્ચ, 2020થી 20 ફેબ્રુઆરી, 2022 સુધીના કોરોનાના સમય દરમિયાન કેટલાક વિદ્યાર્થીઓએ પ્રત્યક્ષ કે ઓનલાઈન શિક્ષણમાં હાજરી આપી નથી. ઉપરાંત કેટલાક વિદ્યાર્થીઓએ એક પણ યુનિટ ટેસ્ટ આપી ન હોવાનું સામે આવ્યું છે. આવા વિદ્યાર્થીઓએ શાળાકીય પરીક્ષાઓના પેપર પણ જમા કરાવ્યા નથી. શાળા સંચાલકો જ્યારે આવા વિદ્યાર્થીઓના વાલીઓને ફોન કરે છે ત્યારે ફોન પણ ઉપાડતા ન હોવાનું જાણવા મળ્યું છે.
મેસેજ અને વોટ્સએપથી પણ જાણ કરી હોવા છતાં કોઈ પ્રતિભાવ આવ્યો નથી. એટલું જ નહીં, રજિસ્ટર એ.ડી.થી નોટીસો આપવામાં આવેલી હોવા છતાં કોઈ પ્રયુત્તર આપતા નથી અને નોટીસનો પણ અસ્વિકાર કરે છે. આ બાબતોને લઈને સંચાલકો દ્વારા રૂબરૂ તપાસ કરતા જાણવા મળ્યું હતું કે, વાલી અને વિદ્યાર્થી શહેર છોડી પોતાના વતનમાં જતા રહ્યા છે. આમ, વિદ્યાર્થી પુરુ વર્ષ શાળામાં ગયા ન હોવાથી તેમજ પરીક્ષા પણ આપી ન હોવાથી આવા વિદ્યાર્થી સામે શાળા સંચાલકોએ શું પગલા લેવા જોઈએ તે અંગે સ્પષ્ટતા કરવા માગણી કરી છે.
આવા કિસ્સામાં લાંબી ગેરહાજરી લખી નામ કમી કરી શકાય, ધોરણ-1થી 8માં સંપુર્ણ ગેરહાજરી હોવા છતાં ફરજિયાત અને મફત શિક્ષણનો કાયદો હોવાથી તેમને ઉપલા વર્ગમાં મોકલી શકાય, ધોરણ-8માંથી 9માં આવતા વિદ્યાર્થીના ફોર્મ ભરાયા ન હોય તો તેમના નામ જી.આર.માં ચડાવી વર્ગ રજિસ્ટરમાં નામ લખી શકાય સહિતના મુદ્દે મુંઝવણ ઉભી થઈ છે. આ તમામ મુદ્દાઓને લઈને શિક્ષણ બોર્ડ દ્વારા સુચનાઓ બહાર પાડવામા આવે તે માટે માગણી કરવામાં આવી છે.