કોરોના લોકડાઉન બાદ વેપાર-ધંધા તથા આર્થિક પ્રવૃત્તિઓ ભલે ખોલી નાખવામાં આવી હોય છતાં નાના વેપારીઓ પર આર્થિક સંકટ ઝળુંબતું જ રહ્યું અને પાંચમાંથી એક લોનધારક હપ્તા ભરી શકતા ન હોવાનો ઘટ્ટસ્ફોટ થયો છે. નાના વેપાર-ઉદ્યોગકારો માટે કાર્યકારી મુડી જ સૌથી મોટો પ્રશ્ન હોવાનું એક સર્વેમાં સામે આવ્યું છે, આ સર્વે અનુસાર સપ્ટેમ્બર મહિનામાં દર પાંચમાંથી એક નાનો વેપારી લોનના હપ્તા ચુકવી શક્યો નહતો,આમ કોરોના લોકડાઉન પછી વેપારધંધા ખુલ્લા મુકવામાં આવ્યા હોવા છતાં તેની ગાડી પાટે ચડી શકી નથી.
50 ટકાથી વધુ નાના ઉદ્યોગોનું ટર્નઓવર-વેચાણ 25 થી 75 ટકા જ

ભારતના જુદા-જુદા વેપાર મંડળો દ્વારા સંયુક્ત રીતે 17500 વેપારીઓને આવરી લઇને સર્વે હાથ ધરવામાં આવ્યો હતો તેમાં એવું બહાર આવ્યું હતું કે 50 ટકાથી વધુ નાના ઉદ્યોગોનું ટર્નઓવર-વેચાણ ગત વર્ષની સરખામણીએ માત્ર 25 થી 75 ટકા જેટલું જ હતું, આ ઉપરાંત તેઓ માટે કાર્યકારી મૂડીનું મોટું સંકટ હોવાનું માલુમ પડ્યું હતું, અર્થાત નાણાં સંકટથી વેપાર પર મોટી અસર હતી. માત્ર સૂક્ષ્મ કે લઘુ ઉદ્યોગો જ નહીં, 38 ટકા મધ્યમ ઉદ્યોગોએ પણ સમાન સૂર દર્શાવ્યો હતો અને ધંધાની ગાડી પાટે ચડતી ન હોવાનું જણાવ્યું હતું.
ગત વર્ષની સરખામણીએ નવા ખરીદી ઓર્ડરો ઘણા ઓછા છે તે સૌથી મોટી ચિંતા છે, વેચાણ-ટર્ન ઓવરમાં ઘટાડાને કારણે નાણાંકીય સાયકલને ફટકો છે, પરિણામે લોન રીપેમેન્ટમાં તકલીફ છે. લોનના હપ્તા નહીં ચૂકવવાની રાહતઆપતા મોરેટોરીયમની મુદત ગત ઓગસ્ટમાં પૂર્ણ થઇ ગઇ હતી પરિણામે સપ્ટેમ્બરમાં હપ્તા ભરવાની ઉપાધી શરુ થઇ હતી, બેંકોને લોન હપ્તા પેટે ચુકવાયેલા ચેકમાંથી 62 ટકા લોનધારકોના ચેક ક્લીયર થઇ ગયા હતા, 17 ટકા કેસોમાં ફરીથી -બીજા પ્રયત્ને ચેક ક્લીયર થયા હતાં.
વેપારી મંડળના કન્વીનર કે.ઇ.રઘુનાથને કહ્યું કે હજુ વેપારધંધાની ગાડી પાટે ચડી નથી, આવતો સમય કેવો જશે તે વિશે નાના વેપારીઓ ચિંતિત જ છે. ઓકટોબર-નવેમ્બરના હપ્તા કેવી રીતે ભરાશે તે ચિંતા કોરી ખાય છે. દિવાળીનોસમય હોવાથી કામદારો-કર્મચારીઓને બોનસ તથા એડવાન્સ પગાર જેવી સહાય કરવાની પરંપરા છેતે બાબત પણ વધારાની ચિંતા ઉભી કરાવી શકે છે.
આ પણ વાંચો : કેન્દ્ર દ્વારા LTC બે વર્ષ લંબાવાઈ, મળશે આ સુવિધાઓ
