ઈન્ડિયન રેલવે કેટરિંગ એન્ડ ટુરિઝમ કોર્પોરેશન લિમિટેડ ( આઈઆરસીટીસી) એ તહેવારોની સીઝનમાં વધતી ભીડને ધ્યાનમાં રાખીને તેજસ એક્સપ્રેસને ફરીથી ચલાવવાની તૈયારી શરૂ કરી દીધી છે. તેજસ એક્સપ્રેસની બન્ને ટ્રેનો 17 ઓક્ટોબરથી ટ્રેક પર દોડવા માંડશે. ટ્રેનની સીટનું બુકિંગ 8 ઓક્ટોબરથી શરૂ થશે. કોરોના વાયરસ મહામારીને કારણે 19 માર્ચથી તેજસ એક્સપ્રેસ બંધ હતી. કોરોના વાયરસ મહામારીને ધ્યાનમાં રાખીને, IRCTCએ તેજસ એક્સપ્રેસના કર્મચારીઓને અલગથી ટ્રેનિંગ આપવા એક કાર્યક્રમ શરૂ કર્યો છે. જેમાં ટ્રેનોના ઑપરેશન અને મેનજમેન્ટનો સમાવેશ થાય છે.

લગભગ એક વર્ષ પહેલા લખનૌથી નવી દિલ્હી માટે કોર્પોરેટ સેક્ટરમાં દેશની પહેલી ટ્રેન તેજસ શરૂ થઈ હતી. આ દેશની પહેલા પ્રાઇવેટ ટ્રેન છે. દેશમાં તમામ ટ્રેનો ભારતીય રેલવે ચલાવે છે, પરંતુ તેજસ પહેલી ટ્રેન છે જે આઈઆરસીટીસી દોડાવે છે. તેજસ પાસે 758 બેઠકો છે, જેમાંથી 56 બેઠકો એક્ઝિક્યુટિવ ક્લાસની છે અને બાકીની બેઠકો એસી ચેર વર્ગમાં છે. આધુનિક સુવિધાવાળી આ ટ્રેન મુસાફરોમાં ખૂબ પ્રખ્યાત બની છે. આ દેશની પહેલી ટ્રેન છે, જેમાં મોડું થાય ત્યારે મુસાફરોને વળતર આપવાનો નિયમ છે.
આ પણ વાંચો : ટિકિટ રિઝર્વેશનનો બીજો ચાર્ટ હવે ટ્રેન ઉપડવાના અડધો કલાક અગાઉ જાહેર થશે
મુસાફરોની સલામતી સુનિશ્ચિત કરવા કોવિડ -19 પ્રોટોકોલને પાલન કરતા એસઓપી જારી કરવામાં આવી છે.
