રાજ્યમાં શુક્રવારે સાંજે મુખ્યમંત્રી વિજય રૂપાણી અને ના.મુખ્યમંત્રી નીતિન પટેલે લોકડાઉન 4માં છૂટછાટ અને ઉદ્યોગ એકમોને શરુ કરવાને લઈ ઉદ્યોગકારો સાથે વિડીયો કોન્ફરન્સ દ્વારા મિટિંગ કરી હતી. જેમાં રેડ અને કન્ટેઈન્ટમેન્ટ ઝોન સિવાયના વિસ્તારોમાં 30 ટકા ક્ષમતા સાથે એકમો શરૂ કરવા અંગે મત પુછવામાં આવ્યા છે. જેમાં કહેવામાં આવ્યું કે, આરોગ્ય પહેલાં-ઈકોનોમિ પછી. મિટિંગમાં અગ્ર સચિવ એમ.કે.દાસે ધી સઘન ગુજરાત ચેમ્બર ઓફ કોમર્સ સહિત, ફોગવા, ફીયાસ્વી, સુરત ડાયમંડ એસોસિએશન, જીજેઈપીસી,એસજીટીપીએ સહિતના ઉદ્યોગ આગેવાનો સાથે જોડાયા હતા.
સુરતના ઉદ્યોગકારો મિટિંગમાં જોડાયા

મુખ્યમંત્રી સાથે વિડીયો કોન્ફરન્સ દ્વારા મળેલી મિટિંગમાં સુરત કલેક્ટર કચેરી ખાતેથી હીરા ઉદ્યોગ અગ્રણી સેવંતી શાહ, ગોવિંદ ધોળકિયા, ચેમ્બર પ્રમુખ કેતન દેસાઈ, આઈપીપી હેતલ મહેતા, જીજેઈપીસીના રિજીયોનલ પ્રેસિડન્ટ દિનેશ નાવડિયા, ફીયાસ્વી ચેરમેન ભરત ગાંધી, એસજીટીપીએ પ્રેસિડન્ટ જીતેન્દ્ર વખારિયા, પાંડેસરા વીવર્સ એસો.પ્રમુખ આશિષ ગુજરાતી, સચિન નોટીફાઈડ ચેરમેન મહેન્દ્ર રામોલિયા સહિત ફોસ્ટા પ્રમુખ મનોજ અગ્રવાલ મિટિંગમાં જોડાયા હતા.
લોકડાઉન-4માં છૂટછાટ લઇ મત માગ્યા
મિટિંગમાં ઉદ્યોગ એકમો શરુ કરવા અંગે ઉદ્યોગકારોને મત પૂછવામાં આવ્યા હતા. જેમાં ચેમ્બર પ્રમુખે પોતાનો મત આપતા જણાવ્યું કે, ઈન્ટરસ્ટેટ ટ્રાન્સપોર્ટ શરૂ કરવાની સાથે કોઈ પણ પરવાનગી વગર એકમો શરૂ કરી દેવા જોઈએ. ઘણાં ખરા કારીગરો વતન જઈ ચૂક્યા છે અને ઘણાં હજુ જવાની તૈયારીમાં છે, ત્યારે શરૂ થનારા એકમોમાં આપમેળે સોશિયલ ડિસ્ટન્સિંગ જળવાશે. સૌ પ્રથમ જો ટેક્સટાઈલ માર્કેટને શરૂ કરવામાં આવે તો અન્ય ટેક્સટાઈલના એકમો પણ શરૂ થશે. જ્યારે ફોગવા પ્રમુખ અશોક જીરાવાલા જણાવે છે કે, અમે ટેક્સટાઈલ માર્કેટ શરૂ કરવા ઉપરાંત પોલીસ દ્વારા થતી હેરાનગતિને ઓછી કરવા માંગ કરી છે.
આરોગ્ય પહેલાં-ઈકોનોમિ પછી

સચિન નોટીફાઈડના ચેરમેને જણાવ્યું કે, મિટિંગમાં પહેલાં તો રેડ અને કન્ટેઈન્ટમેન્ટ ઝોન સિવાયના વિસ્તારમાં 30 ટકા ક્ષમતા સાથે એકમો શરૂ કરવા મત પુછવામાં આવ્યું છે. જેમાં સ્પષ્ટ કરી દેવાયું છે કે આરોગ્ય પહેલાં-ઈકોનોમિ પછી. એસજીટીપીએના પ્રેસિડેન્ટએ જણાવ્યું કે, એક-એક સેગમેન્ટ શરૂ કરાવીને પડતી અગવળતાના આધારે સરળીકરણ કરી એકમો શરૂ કરવા માટે અમે રજૂઆત કરી છે. આ સાથે તમામ ઈન્ડસ્ટ્રિઝ આગેવાનો સાથે 3-3 દિવસે મિટીંગ કરવા માટે પણ મત રજૂ કરાયો છે. બોક્સ-એક્સપોર્ટ અટક્યું છે, હવે એકમો શરૂ કરો.
1000 કરોડથી વધુનો ફસાયેલો માંગ કાઢી આપવાની માંગ
જીજેઈપીસીના રિજીયોનલ પ્રેસિડેન્ટ દિનેશ નાવડિયા કહ્યું કે, લોકડાઉનના કારણે સુરતના હીરા ઉદ્યોગકારોના કરોડો રૂપિયાના પાર્સલ અટકી પડ્યા છે. 30 ટકા સ્ટાફ સાથે એકમો શરૂ કરવા માટે અમને વાંધો નથી. પણ હવે એકમો શરૂ કરવા માટે વિવિધ સ્લોટમાં પરવાનગી આપવામાં આવે તેવી માંગણીઓ અમે કરી છે. ફોસ્ટા પ્રમુખ મનોજ અગ્રવાલે સરકારને વિવિધ વેપારીઓ, ટ્રાન્સપોર્ટ્સ, મિલોમાં 1000 કરોડથી વધુના ફસાયેલા માલને કાઢી નાંખવા માટેનો સમય માંગ્યો અને કહ્યું કાપડ માર્કેટને તબક્કાવાર ખોલવી જોઈએ.
આ પણ વાંચો : લોકડાઉનથી ગુજરાતને થયું 6700 કરોડથી વધુનું નુકસાન તો સમગ્ર દેશનો આંકડો ચોંકાવનારો
