વીજ ઉત્પાદન કેન્દ્રોમાં કોલસાની ભારે અછતના કારણે દેશના અનેક રાજ્યોમાં વીજકટોકટી વધી રહી છે. ઝારખંડમાં વીજપૂરવઠાની અછતના કારણે 258 મેગાવોટથી લઈને 430 મેગાવોટ સુધી લોડ શેડિંગ કરવું પડી રહ્યું છે. બીજીબાજુ દિલ્હીમાં વીજ ઉત્પાદન કેન્દ્રોમાં એક જ દિવસનો કોલસો બચ્યો છે. દિલ્હીને ટૂંક સમયમાં કોલસો પૂરો પાડવામાં નહીં આવે તો બે દિવસ પછી બ્લેકઆઉટની સ્થિતિ સર્જાશે. કોલસાની અછતના કારણે દેશના અનેક શહેરોમાં અંધારપટની આશંકા વ્યક્ત થઈ રહી છે.
દેશમાં કોલસાથી ચાલતા 135 પાવર પ્લાન્ટમાંથી અડધાથી વધુમાં કોલસાનો પુરવઠો ખતમ થઈ રહ્યો છે. અનેક પાવર પ્લાન્ટ પાસે બે દિવસનો જ સ્ટોક વધ્યો છે. આમ થશે તો દેશના અનેક શહેરોમાં અંધારપટ છવાઈ જશે. રાજસ્થાન અને પંજાબના કેટલાક ભાગોમાં વીજકાપ શરૂ થઈ ગયો છે. દેશની રાજધાની દિલ્હીમાં વીજસંકટ વધુ ઘેરું બની રહ્યું છે. કોલસાનો પુરવઠો નહીં મળે તો બે દિવસ પછી આખી દિલ્હીમાં બ્લેકઆઉટ થઈ શકે છે.
દિલ્હીમાં આગામી દિવસોમાં નિયમિત સમયાંતરે રોટેશન લોડ શેડિંગની સંભાવના છે તેમ પાવર ડિસ્કોમ ટાટા પાવર દિલ્હી ડિસ્ટ્રિબ્યુશન લિ. (ટીપીડીડીએલ)ના સીઈઓ ગણેશ શ્રીનિવાસને જણાવ્યું હતું. કોલસા આધારિત પાવર સ્ટેશન દિલ્હી ડિસ્કોમને વીજળી પૂરી પાડે છે. આ પાવર સ્ટેશનોમાં હવે માત્ર બે દિવસનો જ પુરવઠો બચ્યો છે જ્યારે એક મહિનાનો જથ્થો અનામત રાખવાનો નિયમ છે.
સમગ્ર દેશમાં કોલસાની અછતના કારણે કોલસા આધારિત પ્લાન્ટ્સમાંથી વીજ ઉત્પાદન ઘટયું છે. તહેવારોની મોસમ પહેલાં કોલસાના પુરવઠાની કટોકટી વધુ ઘેરી બનવાની શક્યતા છે, કારણ કે 64 નોન-પીથેડ પાવર પ્લાન્ટ્સમાં કોલસાનો ચાર દિવસથી ઓછો સ્ટોક બચ્યો છે. સેન્ટ્રલ ઈલેક્ટ્રિસિટી ઓથોરિટીના પાવર પ્લાન્ટ્સ અંગેના તાજા રિપોર્ટ મુજબ દેશમાં 25 પાવર પ્લાન્ટ એવા છે, જેમની પાસે સાત દિવસથી ઓછો સ્ટોક છે. 17 પ્લાન્ટ્સનો સ્ટોક ખતમ થઈ ગયો છે જ્યારે 20 પ્લાન્ટ્સ પાસે એક જ દિવસનો સ્ટોક બચ્યો છે.