આજે એક દિવસ માટે દેશભરમાં જીએસટીના આકરા નિયમોના વિરોધમાં કોન્ફેડરેશન ઓફ ઓલ ઈન્ડિયા ટ્રેડર્સ (કૈટ) દ્વારા વેપાર બંધનું એલાન કર્યું છે. જેને શહેરના કાપડ ઉદ્યોગ સાથે સંકળાયેલા ટ્રાન્સપોટર્સ, લેબર્સ, વીવર્સ, એમ્બ્રોઈડરીના જોબવર્કર્સ તેમજ ચાર્ટર્ડ એકાઉન્ટન્ટ અને ટેક્સ કન્સલ્ટન્ટ એસોસિએશન દ્વારા સમર્થન જાહેર કરાયું છે. જોકે વીવર્સ ઉત્પાદન ચાલુ રાખશે, પરંતુ કાળી પટ્ટી પહેરી વિરોધ વ્યક્ત કરશે, જ્યારે ટ્રાન્સપોટર્સ અને લેબર્સ પણ આંશિક કામકાજ બંધ રાખશે. ચાર્ટર્ડ એકાઉન્ટન્ટ અને ટેક્સ કન્સલ્ટન્ટ ક્લાયન્ટ માટે ઓફિસ બંધ રાખશે.
GSTકાયદો અમલમાં મુકાયાના સાડા ત્રણ વર્ષમાં તેના નિયમોમાં 937 સુધારા કરાયા છે. વેપારીઓ માટે જીએસટીનો કાયદો ગૂંચવણભર્યો અને આકરો બનાવી દેવાયો છે. મિસમેચના કિસ્સામાં GSTનંબર રદ કરી દેવો અને મિલકત ટાંચમાં લઈ લેવા જેવા કડક નિયમોના લીધે વેપારીઓ પરેશાન થઈ ગયા છે. કૈટ દ્વારા વેપારીઓની સમસ્યાથી સરકારને વાકેફ કરાવી 16 નિયમોમાં સુધારો કરવા અનેકોવાર રજૂઆત કરવામાં આવી છે, તેમ છતાં કોઈ ઉકેલ નહીં આવતા કૈટ દ્વારા હડતાળનું શસ્ત્ર ઉગામવામાં આવ્યું છે. નાગપુર ખાતે દેશભરના 400 વેપારી સંગઠનોની મિટીંગ મળી હતી તેમાં 26મી ફેબ્રુઆરીએ દેશભરમાં વેપાર બંધનો નિર્ણય લેવાયો હતો.
સુરતના વેપારી, ઉત્પાદકો અને ટેક્સ પ્રેક્ટિશનર્સ પણ બંધને સમર્થન કરી રહ્યાં છે. ટેક્સટાઈલ ટ્રાન્સપોર્સ એસોસિએશન, લેબર યુનિયન બાદ કાપડના સંગઠનો ફિયાસ્વી, પાંડેસરા વીવર્સ એસોસિએશન તેમજ ચાર્ટર્ડ એકાઉન્ટન્ટ એસોસિએશન ઓફ સુરત તેમજ સાઉથ ગુજરાત કમર્શિયલ ટેક્સ બાર એસોસિએશન દ્વારા લેખિતમાં બંધને સમર્થન જાહેર કરાયું છે. જોકે, કામકાજ સંપૂર્ણપણે બંધ નહીં રાખવામાં આવે. વેપારીઓ દુકાન ચાલુ રાખશે, લેબર્સ અને ટ્રાન્સપોટર્સ પણ અંશતઃ કામકાજ ચાલુ રાખશે. ટેક્સ પ્રેક્ટિશનર્સે ક્લાયન્ટ માટે ઓફિસ બંધ રાખી છે, પરંતુ ઓડિટ રિપોર્ટ ફાઈલ કરવાની કામગીરી ચાલુ રાખવામાં આવશે.
ફોસ્ટા પ્રમુખ મનોજ અગ્રવાલે કહ્યું કે, GSTસામે નારાજગી છે પરંતુ બંધની તરફેણ નહીં કરવામાં આવે. બંધના મુદ્દે વેપારીઓ એકમત નથી. ચાર્ટર્ડ એકાઉન્ટન્ટ એસોસિએશન ઓફ સુરતના હાર્દિક કાકડીયાએ કહ્યું કે, જીએસટીના વિરોધમાં ચાર્ટર્ડ એકાઉન્ટન્ટ કૈટની પડખે છે પરંતુ બંધને સમર્થન નથી. સ્વૈચ્છિક રીતે બંધ પાળવું હોય તો વાંધો નહીં પરંતુ કોઈ પર દબાણ કરાય નહીં. સાઉથ ગુજરાત કમર્શિયલ ટેક્સ બાર એસોસિએશનના પ્રમુખ પ્રશાંત શાહે કહ્યું કે, બંધ રાખવું કે નહીં તેનો નિર્ણય પ્રેક્ટિશનર્સ પર છોડવામાં આવ્યો છે.