આઈપીસી 302, 201 અને 114 હેઠળના ગુનાઓ માટે નોંધાયેલી એફઆઈઆરના અનુસંધાને આરોપીની જામીન અરજી ગુજરાત હાઈકોર્ટે ફગાવી દીધી છે. અરજદારના ધારાશાસ્ત્રીએ દલીલ કરી હતી કે મૃતક પીધેલો હતો અને તે અકસ્માતે કૂવામાં પડી ગયો હતો પણ ફરિયાદીએ ગળુ રૂંધાવી કૂવામાં ફેંકી દેવાની વાતો ઉપજાવી કાઢી છે.

આરોપી તરફે દલીલ કરાઈ હતી કે મૃતકના શરીર પર પ્રતિકારના નિશાન નહોતા અને મૃતકના ગળા પર ઈજા જોવા મળી હતી. આથી પ્રોસીકયુશન કરે છે તે મુજબ મૃતકની હત્યા થઈ નહોતી અને આથી આરોપીને જામીન મળવા જોઈએ. પ્રતિવાદીના વકીલે જવાબમાં દલીલ કરી હતી કે આરોપી તરફથી વધુ એક જામીન અરજી કરવામાં આવી છે. અગાઉની જામીન અરજી પાછી ખેંચી લેવામાં આવી હતી.

હાલની અરજીમાં અરજદારે આગલી જામીન અરજી પાછી ખેંચવા બાબતે કશું જણાવ્યું નથી. આથી એક પછી એક જામીન અરજી, સંજોગો બદલાયા ન હોય તો ટકી શકે તેમ નથી. હાઈકોર્ટ કલ્યાણ ચંદ્ર સરકાર વિરુદ્ધ રાજેશ રાજન (2005) નો ઉલ્લેખ કરી અવલોકન કર્યુ હતું કે આરોપીને જામીન માટે ઉતરોત્તર અરજી કરવાનો અધિકાર છે, પણ કોર્ટે આવી જામીન અરજીનો વિચાર કરતી વખતે અગાઉની જામીન અરજી નકારવાના કારણો અને આધાર ધ્યાનમાં લેવાની ફરજ છે.
આવા કેસોમાં અગાઉની અરજીઓમાં ધ્યાનમાં લેવાયેલા દ્દષ્ટિકોણથી અલગ દ્દષ્ટિકોણ લેવા કોર્ટને સમજાવવા માટે નવા કારણો કયાં છે તે નોંધવાની પણ ફરજ છે. અરજી ફગાવતા હાઈકોર્ટે અવલોકન કર્યું હતું કે ચાર્જશીટ રજૂ થયા પછી અગાઉની જામીન અરજી પાછી ખેંચી લેવાઈ હતી, અને આ જામીન અરજી પણ ચાર્જશીટ રજુ થયા પછી કરાઈ છે. અરજદારના એડવોકેટ સંજાગોમાં ફેરફાર બતાવી શકયા નહીં હોવાથી અરજદાર માટે જામીનનો આધાર બનતો નથી.
આ પણ વાંચો : બુર્જ ખલીફામાં બેસીને ‘કારોબાર’ ચલાવતો