જિલ્લામાં હાલ ખાદ્યતેલમાં સતત ભાવવધારો થઈ રહ્યો છે ત્યારે સતત ભાવવધારાને કારણે ગૃહિણીઓનું બજેટ ખોરવાઈ રહ્યું છે, જેમાં એક દિવસના જુદા જુદા તેલના વપરાશમાં જિલ્લાભરના લોકોના બજેટ પર રોજ રૂ. 11.60 લાખનો બોજો પડશે. પહેલાં સીંગતેલના ભાવ વધતાં લોકો કપાસિયા તેલ તરફ વળ્યા ત્યારે હવે કપાસિયા તેલના ભાવ પણ વધતાં મધ્યમ વર્ગના પરિવારોની મુશ્કેલી વધી ગઈ છે.
ઝાલાવાડમાં મુખ્યત્વે સિંગતેલ અને કપાસિયા તેલનો મુખ્યત્વે ઉપયોગ કરવામાં આવતો હોય છે ત્યારે હાલ 1 મહિનામાં સિંગતેલ અને કપાસિયા તેલ સહિતના તેલના ભાવોમાં સતત વધારો થતાં ગૃહિણીઓનું બજેટ ખોરવાઈ ગયું છે, હાલમાં 1 મહિનામાં સિંગતેલના ભાવ પહેલાં રૂ. 2356 આસપાસ રહેતા હતા, તે રૂ. 2520 થઈ ગયા હતા. એ જ રીતે કપાસિયા તેલના ભાવ રૂ. 2340 હતા, જે વધીને રૂ. 2550 થઈ ગયા છે. આમ કપાસિયા તેલ અને સિંગતેલના ભાવ એકસરખા થઈ જતાં લોકો કયું તેલ ઉપયોગમાં લેવું તેની મુંજવણમાં મુકાઈ ગયા છે.હાલ જિલ્લામાં રોજના સિંગતેલ, કપાસિયા, સૂર્યમુખી, પામતેલ મળીને રોજ 2,000થી વધુ ડબાનું વેચાણ થતું હોય છે, જેમાં ભાવવધારાને કારણે લોકોને રોજ રૂ. 11,60,600નો આર્થિક બોજાનો સામનો કરવો પડી રહ્યો છે.

લોકોનું બજેટ ખોરવાયું
હાલના સમયમાં રશિયા-યુક્રેન વચ્ચેની યુદ્ધની સ્થિતિને કારણે આગામી સમયમાં તેલના ભાવોમાં વધારો થવાની પણ શક્યતા સેવાઈ રહી છે. સસ્તા ભાવે તેલ વેચવાના બહાને ડિસ્કો તેલનું પણ વેચાણ થવાનો ભય લોકો વ્યક્ત કરી રહ્યા છે. અગાઉ વર્ષ 2020માં આ રીતે તેલના ભાવોમાં 200થી 250 જેટલો વધારો જોવા મળ્યો હતો. આમ 2 વર્ષમાં તેલના ભાવોમાં 400થી 500નો વધારો થતા લોકોના બજેટ ખોરવાઈ ગયા છે.
તેલ પહેલાંનો ભાવ અત્યારનો ભાવ વધારો
સિંગતેલ 2356 2520 164
કપાસિયા 2340 2550 210
સૂર્યમુખી 2140 2645 505
પામતેલ 1970 2350 380