સુરતમાં (surat) કોરોનાના દર્દીઓમાં (corona patients) સતત વધારો નોંધાઈ રહ્યો છે. કોરોનાના કારણે ઘણા દર્દીઓના દુઃખદ મૃત્યુ પણ થયા છે. સુરતમાં કોરોનાથી અત્યાર સુધીમાં 532 લોકોએ જીવ ગુમાવ્યા છે. પરંતુ, શનિવારે મ્યુનિ.તંત્ર (smc) દ્વારા જાહેર કરવામાં આવેલા આંકડા ચોંકાવનારા છે. શનિવારના રોજ સુરતમાં 10 દર્દીના મોત થયા, તેમાંથી 9 લોકોને કોઈ પણ પ્રકારની બિમારી ન હતી. આ 10માંથી એક 64 વર્ષના વ્યક્તિ ડાયાબિટીશ સાથે હાર્ટની બિમારીથી પીડિત હતા. તે ઉપરાંત, બે મૃતકોની ઉંમર તો 30 વર્ષથી પણ ઓછી હતી, આ આંકડાઓ એક ચિંતાનો વિષય છે.

સામાન્ય રીતે કોરોના તેવા લોકોને વધારે શિકાર બનાવે છે જેઓ અગાઉથી કોઈ અન્ય બીમારીનો શિકાર હોય. આવા દર્દીઓમાં કોરોનાના કારણે મૃત્યુદર વધુ જોવા મળે છે. જેથી મ્યુનિ. તંત્ર અત્યાર સુધી દાવો કરતું હતું કે, જે મોત થઈ રહ્યાં છે તે કોમોર્બિડ હોય તેના જ થઈ રહ્યાં છે. પરંતુ, તંત્ર દ્વારા શનિવારે રજુ કરેલા આંકડાઓ ચોંકાવનારા છે. શનિવારે 10 લોકોના મોત થયા હતા. તેમાંથી 8 દર્દી સિવિલમાં અને એક સ્મીમેર અને એકનું ખાનગી હોસ્પિટલમાં મોત થયું હતું.
આ પણ વાંચો : પ્લાઝમા ડોનેટ કરવાથી ફરી ચેપ લાગવાની કોઈ શક્યતા નથી, મનપા કમિશનરની પ્લાઝ્મા ડોનેટ કરવા અપીલ
જેમાંથી, ખાનગી હોસ્પિટલમાં સારવાર લેનાર અડાજણના 64 વર્ષના પુરૃષને ડાયાબીટીશ સાથે હૃદયરોગની બિમારી હતી.તે સિવાયના 9 દર્દીને કોઈ પ્રકારની બિમારી ન હોવાનું મ્યુનિ.ની સત્તાવાર યાદીમાં જાહેર કરાયું છે. તેમાંથી એક તો 24 વર્ષનો યુવાન હતો. જે સિવિલમાં સારવાર માટે 20 જુલાઈના રોજ દાખલ કરાયો હતો. તેંનું પાંચ દિવસ સારવાર બાદ મોત થયું હતું. જેને કોરોના સિવાય કોઈ અન્ય બીમારી નહિ હતી. આ સિવાય કોસાડ આવાસમાં રહેતા 18 વર્ષના યુવાનને 12 જુલાઈના રોજ કોરોના પોઝિટિવ આવતા સિવિલમાં દાખલ કરાયો. આ યુવાનનું શનિવારે સારવાર દરામિયાન મૃત્યુ થયું છે. સુરતમાં કોઈ બિમારી ન હોય તેવા 9 દર્દીઓના મૃત્યુ થવાના કારણે તે માત્ર સુરત માટે જ નહી પરંતુ રાજ્ય સરકાર માટે પણ ચિંતાનો વિષય છે.
