પાલ રોડના સુમેરુ સિલ્વર લીફમાં એપાર્ટમેન્ટમાં 10 થી 14 વર્ષનાં 3 બાળક સહિત 5 કેસ છેલ્લા અઠવાડિયામાં પોઝિટિવ નોંધાયા છે, જેને પગલે આ એપાર્ટમેન્ટ સીલ કરી દેવાયું છે. કેસ વધતાં એપાર્ટમેન્ટમાં બાકી રહેલા 47 રહીશોએ 4 જ દિવસમાં રસી લઈ લીધી છે. જ્યારે અન્ય બાળકોના ટેસ્ટ કરતાં 77ના રિપોર્ટ નેગેટિવ આવ્યા છે. પોઝિટિવ આવેલાં બાળકો ઓનલાઈન ભણે છે, પણ સોસાયટીના ગણેશોત્સવમાં જમણવારમાં ગયા હતા.
ગત શનિવારે પ્રથમ બાળકનો કેસ નોંધાયા બાદ બીજો કેસ પણ પોઝિટિવ નોંધાયો હતો. ત્યાર બાદ વધુ એક બાળકનો આરટી-પીસીઆર પોઝિટિવ આવતાં ધન્વંતરિ રથ મૂકી ટેસ્ટિગ કરાયું છે. આ એપાર્ટમેન્ટમાં 5 કેસ પોઝિટિવ નોંધાતાં એપાર્ટમેન્ટની એ અને બી બન્ને વિંગને ક્લસ્ટર જાહેર કરી સીલ કરાઈ છે. બંને વિંગના કુલ 242 લોકોને ક્વોરન્ટીનમાં રહેવા સૂચના આપી છે. રાંદેરના આરોગ્ય વિભાગની સર્વેલન્સ ટીમે કરેલી તપાસમાં બાળકો ઓનલાઈન ભણે છે સ્કૂલમાં જતા નથી, પરંતુ ગણેશોત્સવમાં જમણવારમાં સ્થાનિક લોકો એકત્ર થયા હતા ત્યાં ગયા હોવાની હિસ્ટ્રી મળી છે.
પાલ રોડના સુમેરુ સિલ્વર લિફ એપાર્ટમેન્ટમાં ત્રણ બાળકો સહિત પાંચ કેસો કોરોના પોઝિટિવ નોંધાયા હોય એપાર્ટમેન્ટના એ વિભાગના 44 અને બી વિભાગના 44 મળી 88 ફ્લેટમાં ગત શુક્રવારે જ 18 વર્ષથી નીચેના 77 બાળકોના રેપિડ ટેસ્ટ કરવામાં આવ્યાં હતાં. આરોગ્ય વિભાગે જણાવ્યું હતું કે, પહેલું બાળક પોઝિટિવ નોંધાયું હતું ત્યારે પણ 90 બાળકોના ટેસ્ટ કરવામાં આવ્યાં હતાં. વધુ કોઈ બાળક પોઝિટિવ નોંધાયા નથી તેમજ લક્ષણ પણ શરદી, ખાંસી, તાવ જ છે અને તબિયત પણ સ્ટેબલ જ છે. કોઈ પણ કેસ ગંભીર નથી જણાયા પરંતુ પૂરતી તકેદારી રાખવામાં આવી રહી છે.