ગુજરાતમાં કોરોનાના કેસ સતત વધતા જાય છે પરંતુ જોવામાં આવે તો અમદાવાદમાં જ 70 ટકા કેસ નોંધાયા છે. જેથી રૂપાણી સરકાર હેલ્થ વિભાગ અને AMC પર ભડકી છે. પરિણામે આજે રૂપાણી સરકારે મહત્વનો નિર્ણય લેતા રાજ્યમાં સ્થિતિને કાબૂમાં લેવા સિનિયર અધિકારીઓને મેદાને ઉતાર્યા છે. એક તરફ પરપ્રાંતિયોનો વતન જવાનો મામલો તો બીજી બાજુ કોરોનાના કેસ કાબૂમાં નથી આવતા. જેના પગલે રૂપાણી સરકાર હવે ઍક્શનમાં આવી છે. આજે મહત્વનો નિર્ણય લેતા રાજ્ય સરકારે કોરોના મહામારીને કાબૂમાં લેવા ત્રણ સિનિયર અધિકારીઓની વધારાની જવાબદારી આપી નિમણૂક કરી છે.

1) IAS અધિકારી પંકજ કુમાર (ACS, મહેસૂલ વિભાગ) આરોગ્ય વિભાગની રાજ્યમાં કોવિડ-19ને લગતી કામગીરીમાં માર્ગદર્શન આપવાનું તેમજ નિરીક્ષણ કરવાની વધારાની જવાબદારી સોંપાઈ છે.
2) AMC કમિશ્નર વિજય નેહરાની 14 દિવસની રજા દરમ્યાન IAS મુકેશ કુમાર (વાઈસ ચેરમેન અને CEO, ગુજરાત મેરિટાઈમ બોર્ડ) ને અમદાવાદ મ્યુનિસિપલ કોર્પોરેશનનો ભાર સોંપવામાં આવ્યો છે. મુકેશ કુમાર અગાઉ પણ અમદાવાદની કમાન સંભાળી ચૂક્યાં છે.
3) IAS ડૉ. રાજીવકુમાર ગુપ્તા (ACS, વન અને પર્યાવરણ વિભાગ) ને વિશેષ અધિકારી તરીકે અમદાવાદમાં AMCની કોરોનાને લગતી તમામ કામગીરીનું નિરીક્ષણ સોંપાયું છે.
જ્યંતિ રવિના કાર્યનું નિરીક્ષણ
આજે સરકારે આરોગ્ય અગ્રસચિવ જ્યંતિના માથે IAS અધિકારી પંકજ કુમારને બેસાડી દીધાં છે. પંકજ કુમાર હાલ રેવન્યુ વિભાગમાં ACS છે તેમને આરોગ્ય વિભાગની કોરોનાને લગતી સમગ્ર કામગીરીનો ભાર સોંપ્યો છે. રાજ્ય સરકાર આરોગ્ય અગ્રસચિવ જ્યંતિ રવિની કામગીરીથી નાખુશ હતાં. આ મહામારીમાં તેમનું પરફોર્મન્સ સામાન્યથી પણ ખરાબ રહ્યું છે તેઓ તેમના નીચલા અધિકારીઓ અન્ય ખાતાના અધિકારીઓ સાથે ખૂબ રોફ જમાવીને વર્તન કરે છે અને તેમને બરાબર સહકાર નથી આપતા તેવું પણ ચર્ચામાં આવ્યું હતું. જેથી સરકારે તેમના કાર્યનું નિરીક્ષણ કરવા માટે અન્ય અધિકારીઓને સામેલ કરી દીધા હોવાનું જાણવા મળી રહ્યું છે.

AMC કમિશ્નર વિજય નેહરાને નિવેદન ભારે પડ્યું
અમદાવાદ મનપા વિજય નેહરા આજે સેલ્ફ ક્વૉરન્ટાઈન થઈને 14 દિવસ રજા પર ઉતર્યા છે તેવું તેમણે ટ્વિટ કર્યુ હતું. જો કે અંદરના સૂત્રો અનુસાર AMC કમિશ્નરને કોરોનાની કામગીરીથી નાખુશ થઈને સરકારે હાલ પૂરતા હટાવી રજા પર ઉતારી દેવાયા છે. જો કે વિજય નેહરાએ આ બાબતે પોતે સેલ્ફ ક્વોરન્ટાઈન થયા છે તેમ કહ્યું હતું. પરંતુ સૂત્રો પ્રમાણે રૂપાણી સરકાર અમદાવાદના આંકડા જોઈને ભડકી છે અને અન્ય સીનિયર અધિકારીઓને સ્થિતિ કાબૂમાં લેવા મૂકાયા છે.

રિપોર્ટ તૈયાર કરવા બનાવાઈ ટીમ
AMC દ્વારા શહેરમાં કોરોનાના નિયંત્રણ માટે ટેસ્ટિંગ, ડીસઇન્ફેક્ટન્ટ છાંટવા, ક્વોરેનટાઈન જેવી અનેક પદ્ધતિઓ હાથ ધરાઈ છે. ચુસ્ત લોકડાઉનના સમય સુધી પોલીસે બળપ્રયોગ કરીને પણ લોકો ઘરે રહે તેવો આગ્રહ રાખ્યો. તેમ છતાં પરિસ્થિતિ કાબુમાં ન આવતા સરકારે આ કાર્ય કર્યું છે. 3 દિવસમાં તંત્રની કામગિરીનો રીપોર્ટ તૈયાર કરવા કમિટી નિયુક્ત કરાઈ છે. આ રિપોર્ટ તૈયાર કરવા માટે રાજ્ય સરકારના હેલ્થ વિભાગના સિનિયર અધિકારીઓ અમદાવાદની કોરોનાની સ્થિતિનું અને બચાવ માટે લેવાતા પગલાનું નિરીક્ષણ કરશે અને અહેવાલ તૈયાર કરીને રાજ્ય સરકારને જાણ કરશે.
આ પણ વાંચો : વિજય નહેરાના અચાનક હોમમાં ક્વોરન્ટાઈનથી ઉઠ્યા સવાલ, જાણો કેટલી છે સચ્ચાઈ

સુરતના કલેક્ટર ધવલ પટેલથી પણ સરકાર નાખુશ
સુરતમાં પરપ્રાંતિયો અને પોલીસની અથડામણોના કારણે ગુજરાત સરકારની છાપ રાષ્ટ્રીય સ્તરે ખરાડાઈ રહી છે. ધવલ પટેલ પરપ્રાંતીઓની સમસ્યાનું યોગ્ય રીતે નિવારણ લાવી શક્યા નથી. જેના કારણે સુરત પોલીસ અને પરપ્રાંતિયોનો સંઘર્ષ નેશનલ લેવલના સમાચાર બની ગયા હતા.
