કેન્દ્રના આયુર્વેદ, યોગા અને નેચરોપથી, યુનાની, સિદ્ધ અને હોમિયોપેથી (AYUSH) ખાતાના મંત્રી શ્રીપાદ નાઈકે એવો વિશ્વાસ વ્યક્ત કરતા જણાવ્યું છે કે, ભારત ટૂંક સમયમાં જ આયુર્વેદિક પદ્ધતિની મદદથી કોરોના વાઈરસના દર્દીઓનો ઈલાજ શરૂ કરશે. હાલમાં, પ્રાચીન આયુર્વેદિક ચિકિત્સા પદ્ધતિને વૈજ્ઞાનિક માન્યતા ન મળવાને કારણે તેનો ઉપયોગ ભારતમાં માત્ર રોગ પ્રતિબંધાત્મક પગલા તરીકે જ કરવામાં આવે છે.

નાઈકે કહ્યું કે, બ્રિટનના પ્રિન્સ ચાર્લ્સ આયુર્વેદિક સારવારથી કોરોના વાઈરસથી સાજા થઈ ગયા હતા. વધુમાં કહ્યું કે, પશ્ચિમના દેશોમાં આયુર્વેદનો સ્વીકાર કરાતો નથી માટે પ્રિન્સ ચાર્લ્સ આ વાતનો ઈનકાર કરે છે. નાઈકે અગાઉના સંબોધનમાં એમ કહ્યું હતું કે, બેંગલુરુસ્થિત એક આયુર્વેદ પ્રેક્ટિશનરે ચાર્લ્સની સારવાર કરી હતી. અને મને 101 ટકા ખાતરી છે કે, પ્રિન્સ ચાર્લ્સ આયુર્વેદને કારણે સાજા થયા હતા.
આ પણ વાંચો : શા માટે ડોનાલ્ડ ટ્રમ્પ હાઈડ્રોક્સીક્લોરોક્વીનની પાછળ પડેલા છે ?

પરંતુ, નાઈકે એ જણાવ્યું નથી કે, પ્રિન્સ ચાર્લ્સ આયુર્વેદની કઈ દવાથી સાજા થયા હતા. નાઈકે કહ્યું કે, કોરોના રોગનો ઈલાજ કરવામાં જ્યારે એલોપથી જેવી અન્ય પદ્ધતિઓ નિષ્ફળ જાય ત્યારે આપણી પાસે આયુર્વેદ દ્વારા એનો ઈલાજ કરવાનો ઉકેલ છે. અમારા મંત્રાલયે પ્રધાન નરેન્દ્ર મોદી સમક્ષ આ વાત કરી કહ્યું છે કે, કોરોના વાઈરસને દૂર કરવા માટે આયુર્વેદ પાસે ઈલાજ છે.
